રાજકોટમાં 124 બાળકોના મોત બાદ એક રાતમાં જ વધુ 4 બાળકો મોતને ભેટ્યા

Last Modified મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (11:22 IST)

રાજકોટમાં કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી મહિનાના પ્રથમ પાંચ દિવસમાં વધુ 13 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લી એક રાતની અંદર વધુ 4 બાળકો મોતને ભેટ્યા છે. અને વધુ બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આથી બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ બાળકોના મોતને રોકવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. ગઇકાલે પોતાના બાળકો મોતને ભેટશે તેવા ડરથી 51 પરિવારો પોતાના બાળકોને લઇને જતા રહ્યા હતા. NICUમાં બાળકોની ક્ષમતા અને સાર સંભાળ રાખી શકવાની કોઇ વ્યવસ્થાના અભાવે બાળકો મોતને ભેટી રહ્યા છે. 2019ના વર્ષમાં રાજકોટમાં 1235 બાળકો મોતને ભેટ્યા હતા. બીજી તરફ રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં 54 બાળક 45 વોર્મરમાં રખાય છે. બે બાળકો દીઠ એક નર્સ તો દૂર સિવિલ પાસે માત્ર 35 નર્સ છે જેમાં વળી અલગ અલગ શિફ્ટમાં કામ કરે છે જેથી દર દસ બાળકે એક નર્સ રહે છે. આ નર્સ એક બાળકને જૂએ અને 10માં બાળક સુધી પહોંચવામાં ખાસ્સો સમય વીતી જાય છે. મેડિકલ ઓફિસર માત્ર એક જ છે જ્યારે બાકીની જવાબદારી 6 રેસિડેન્ટ ડોક્ટર પર છોડી દીધી છે જે શીખવા માટે કામ કરે છે અને અનુભવહીન છે. એક જ સિનિયર રેસિડેન્ટ છે તેમજ એચઓડી સહિત માત્ર એક ફેકલ્ટી જે વહીવટી કામોમાંથી ઊંચા નથી આવતા. આ કારણોથી જ મૃત્યુદરમાં મસમોટો તફાવત છે.આ પણ વાંચો :