શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (12:54 IST)

Rajkot રાજકોટમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર, 24 દિવસમાં 15નાં મોત

રાજકોટમાં ઠંડીનાં માહોલમાં સ્વાઈનફલુનો ઉપદ્રવ દિન-પ્રતિદિન વધતો રહ્યો છે. ગઈકાલે રાજકોટમાં સ્વાઈન ફલુનાં ૫ કેસ પોઝીટીવ જાહેર થયા હતાં તેમજ ગોંડલ તાલુકાના મોટા દેવડાની મહિલાનું મૃત્યુ નિપજયું હતું. જયારે આજે ફરીને રાજકોટમાં ૩ દર્દીઓના મૃત્યુ સ્વાઈન ફલુને કારણે થતા તબીબોમાં દોડધામ મચી ગઈ હતી. આજે વધુ પાંચ દર્દીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.આ મહિના દરમિયાન છેલ્લા ૨૪ દિવસમાં સ્વાઈન ફલુને લીધે મૃત્યુ પામનારાની સંખ્યા ૧૫ જયારે પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૮૧ નોંધાઈ છે.
રાજકોટની જુદી જુદી હોસ્પિટલમાં સ્વાઈન ફલુના દર્દીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો હોવાનું જણાવી રાજકોટની પી.ડી.યુ. કોલેજના સુત્રોએ જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં જૂનાગઢના જોશીપરા, વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષના પ્રૌઢનું સરકારી હોસ્પિટલમાં  મૃત્યુ નિપજયું હતું તેઓની અહી સ્વાઈનફલુની સારવાર ચાલતી હતી. તેઓએ મધ્યરાત્રિનાં અંતિમશ્વાસ લીધા હતાં.
વધુમાં અહી રાજકોટમાં નાના મૌવા રોડ ઉપર આવેલી અંબિકા ટાઉનશીપમાં આવેલા કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતા ૭૦ વર્ષના વૃધ્ધનું અને ગારિયાધાર તાલુકાનાં નાની વાવડી ગામનાં ૫૮ વર્ષના પ્રૌઢનું અહીની ખાનગી હોસ્પિટલમાં સ્વાઈનફલુની સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.
વધુમાં આજે ધોરાજીની ૫૦ વર્ષની મહિલાનો અમરગઢ ભીંચરીનાં ૬૫ વર્ષનાં પ્રૌઢ ઉપરાંત રાજકોટનાં રવિરત્ન પાર્કમાં રહેતા ૫૦ વર્ષના પ્રૌઢ, માણાવદરનાં ૬૦ વર્ષના વૃધ્ધા અને સાવરકુંડલાની ૫૦ વર્ષની મહિલા સહિત કુલ ૫ દર્દીઓનાં સ્વાઈફ્લુના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું કે, આ મહિના દરિયાન રાજકોટમાં ૧૫ વ્યક્તિઓના મૃત્યુ માત્ર સ્વાઈન ફલુને  લીધે થયા છે. ઠંડીનો માહોલ હોવાને લીધે દર્દીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થતો રહ્યો છે. રાજકોટમાં સીવીલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં બીજા માળે સ્વાઈનફલુનો આઈસોલેશન વોર્ડ શરૃ કરવામાં આવ્યો છે.
પરંતુ અહી જે દર્દીઓ સારવાર માટે આવે છે તેઓ અન્ય તાલુકા કે જિલ્લામાં સ્થાનિક રીતે સારવાર લીધા બાદ અહી દાખલ થતા હોવાને કારણે લેઈટ રેફરન્સ થાય છે. અર્થાત સ્વાઈન ફલુનુ નિદાન મોડુ થતું હોવાથી દર્દીને બચાવવાનું કામ મુશ્કેલ બની જાય છે.