ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જૂન 2019 (13:17 IST)

ગુજરાતની સ્કૂલવાનો બાળકોના માથે લટકતુ મોતઃ રાજકોટમાં 4000 સ્કૂલવાન ટેક્સી પાસિંગ વિનાની

સુરતની આગની ઘટના બાદ દરેક વાલી પોતાના બાળકની સલામતી સામે સજાગ બન્યા છે, પરંતુ રાજકોટમાં હજુ પણ તમારા બાળકો સ્કૂલે જતી-આવતી વખતે જોખમી સવારી કરી રહ્યા છે. શહેરમાં બસો-પાંચસો નહીં પરંતુ 4 હજાર સ્કૂલવાન એવી છે જે ટેક્સી પાસિંગ વિના દોડી રહી છે. ગેરકાયદે માનવામાં આવે છે એવી LPG ગેસકિટ ફિટ કરાવીને જીવતા બોમ્બ સમાન વાહનોમાં ભૂલકાઓ સ્કૂલે જાય છે. શહેરમાં ગણ્યાગાઠ્યા વાન ચાલકોને બાદ કરતા કોઈ પાસે નથી પરમિટ કે કોઈ પાસે નથી ફિટનેસ સર્ટિફિકેટ, નથી વીમો કે નથી ટેક્સી પાસિંગ. ખરેખર આ સ્કૂલવાનમાં 12 વર્ષના વિદ્યાર્થી હોય તો 6 બાળકો અને 12 વર્ષથી ઓછી ઉંમરના હોય તો 12 બાળકો બેસાડી શકે, પરંતુ શહેરની મોટાભાગની વાનમાં 15થી 22 છાત્રો ઘેટાં-બકરાંની જેમ ભરીને સ્કૂલે લઇ જવાય છે. શહેરમાં વર્ષોથી એક તાસીર રહી છે કે સ્કૂલ શરૂ થાય ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વહેલી સવારથી જે-તે સ્કૂલ નજીક ઊભા રહી 15-20 વાન ચાલકોને દંડ ફટકારી દે પછી મહિનાઓ સુધી કોઇપણ પ્રકારનું ચેકિંગ કરવામાં ન આવે. સ્કૂલ પાસે પણ સીસીટીવી કેમેરા હોય છે. નિયમભંગ કરતી સ્કૂલવાન, રિક્ષા સામે ધોકો પછાડવામાં શું વિઘ્ન આડું આવી રહ્યું છે તે વિચારવાનો મુદ્દો છે. શહેરમાં આઈ-વે પ્રોજેક્ટના સીસીટીવી લગાવેલા છે.