મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જૂન 2018 (17:04 IST)

આગામી રથયાત્રા અંગે પોલીસે સુરક્ષાત્મક પગલાં લેવાની શરૂઆત કરી

ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા આગામી ૧૪ જુલાઈના રોજ નીકળવાની છે. રાજ્યની સૌથી મોટી રથયાત્રાની સુરક્ષાને લઈ અમદાવાદ પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પર નાઈટ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. દર શુક્રવાર અને શનિવારે રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેની તમામ ચકાસણી કરી રહી છે. ૧૪ જુલાઈના રોજ અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા નીકળશે.
આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ટ્રક, ભજન મંડળી, અખાડા, સાધુ-સંતો જોડાય છે, સાથે-સાથે લાખોની સંખ્યામાં લોકો પણ રથયાત્રાના દિવસે રસ્તા પર ભગવાનનાં દર્શન માટે ઊમટે છે. રથયાત્રાના રૂટ પર કેટલાક સંવેદનશીલ વિસ્તાર પણ આવેલા છે, જેથી પોલીસ દ્વારા સુરક્ષાને લઈ કવાયત શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પર નાઈટ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. શુક્રવાર રાતે એસીપી અને શનિવારે રાત્રે ડીસીપીની આગેવાનીમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર સુધી અને સરસપુર મંદિરથી પરત જગન્નાથ મંદિરના રૂટ પર પેટ્રોલિંગ કરી રથયાત્રા દરમ્યાન કોઈ અ‌િનચ્છનીય બનાવ ન બને અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેને લઈ ચે‌કિગ પણ શરૂ કર્યું છે.
શહેર પોલીસ કમિશનર એ. કે સિંઘ દ્વારા રથયાત્રા રૂટના વિસ્તારમાં અલગ-અલગ ધર્મના આગેવાનો સાથે મળી શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી રહી છે. શહેરકોટડા, શાહપુર, કાલુપુર, ખાડિયા, જમાલપુર, દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા મિટિંગ કરી રથયાત્રા કોમી એખલાસ અને ભાઈચારાના વાતાવરણમાં ઊજવાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષથી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહી છે. સુરક્ષાને લઈને આ વર્ષે પણ ગત વર્ષ જેટલો જ પોલીસ બંદોબસ્ત રહેશે. ૧,૦૦૦ જેટલા નવા પોલીસકર્મીઓની અમદાવાદમાં નિમણૂક કરવમાં આવી હોઈ આ વર્ષે બહારથી વધુ પોલીસની જરૂરિયાત ઊભી નહિ થાય. આરએએફ અને અન્ય ફોર્સની કંપનીના અધિકારી સાથે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિટિંગ કરી અને બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી રહી છે.