ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (08:48 IST)

આતંકી હુમલાની દહેશત અને અલ કાયદાની ધમકીને કડક સુરક્ષા વચ્ચે નિકળશે રથયાત્રા, જાણો કેવી છે તૈયારીઓ

rathyatra
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર પોલીસે કોરોના બાદની પ્રથમ એવી શ્રદ્ધાળુઓ સાથે નિકળનાર રથયાત્રાને પગલે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે આ વર્ષે પોલીસે ટ્રક, હાથી અને ભજનમંડળીમાં GPS લગાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આતંકી હુમલાની દહેશત અને અલ કાયદા આતંકી સંગઠન દ્વારા રાજ્યમાં ફિદાઈન હુમલા કરવાની ધમકી આપ્યા બાદ હવે અમદાવાદની રથયાત્રામાં પણ સુરક્ષામાં વઘારો કરવામાં આવ્યો છે. 
 
રાજ્યમાં થોડા સમય પહેલા રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજે અમદાવાદમાં નિકળનારી રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. સાથે જ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે. અને શાંતિથી અને સુચારુ રૂપે રથયાત્રા સંપન્ન થાય તે માટે તમામ બાબતો પર ધ્યાન રાખી પોલીસ હ્યુમન વર્કથી માંડી ટેકનોલોજી સુધીનું પ્લાનિંગ કરી રહી છે.
 
આ રથયાત્રા માં પ્રથમ વખત આકાશી ડ્રોન સર્વેલન્સ વધારો કરી જેટપેક ડ્રોન ઉડાડવા વિચારણા થઈ રહી છે. આ જેટપેક ડ્રોનમાં ટ્રેઈન્ડ વ્યક્તિ ડ્રોન સાથે ઉડશે જે રથયાત્રા માર્ગ પર હવાઈ નિરિક્ષણ કરી શકે. દર વર્ષે રથયાત્રામાં મુવિંગ બંધોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવે છે. ત્યારે પ્રથમ વખત હાઈ ટેકનોલોજી નો ઉપયોગ રથયાત્રા દરમ્યાન કરવામાં આવશે તેવું મનાય છે.
 
ક્રાઇમ બ્રાન્ચના  ડીસીપી ચૈતન્ય માંડલીકના જણાવ્યા અનુસાર ધમકીના કારણે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દરેક પાસાનો વિચાર કર્યા બાદ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ વખતે ખાસ જમીન અને આકાશ માંથી સુરક્ષા વ્યવસ્થા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એક હજારથી વધુ કૅમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. આ વખતે અખાડા રથ ટ્રક વગે GPSથી કનેક્ટ થશે. 
 
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પત્રકારોને જણાવ્યું હતું કે રથયાત્રાની સુરક્ષામાં રોકાયેલા પોલીસકર્મીઓ યુનિફોર્મમાં જોડાયેલા કેમેરાથી સજ્જ આ પહેલીવાર છે. તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓ મોબાઈલ ફોન પર રથયાત્રાની સુરક્ષા સાથે જોડાયેલી માહિતી પણ મેળવશે. પરંપરાગત રીતે, રથયાત્રા સવારે 7 વાગ્યે જમાલપુર વિસ્તારમાં આવેલા 400 વર્ષ જૂના ભગવાન જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને 19 કિલોમીટરનું અંતર કાપીને રાત્રે 8 વાગ્યે પરત આવે છે.
 
સુશોભિત હાથીઓ અને અનેક ઝાંખીઓથી શણગારેલી રથયાત્રાની ઝલક જોવા માટે દર વર્ષે લાખો લોકો 'આષાઢી બીજ'ના રોજ રૂટ પર એકઠા થાય છે. અમદાવાદ પોલીસ કમિશનર શ્રીવાસ્તવ અને અન્ય કેટલાક સુરક્ષા કર્મચારીઓએ રથયાત્રાના પરંપરાગત રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું. આ માર્ગ અનેક સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થાય છે. શ્રીવાસ્તવે પત્રકારોને જણાવ્યું હતું કે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ચલાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
 
તેમણે કહ્યું કે પેટ્રોલિંગનો હેતુ પોલીસ અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો વિશે માહિતગાર કરવાનો હતો અને તેમને તે બાબતોથી વાકેફ કરવાનો હતો કે જેને લઇને તેમને સતર્ક રહેવાની જરૂર છે. તેનો ધ્યેય અધિકારીઓને તે જણાવવાનો હતો કે આ આયોજન માટે યોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શું કરવાની જરૂર છે. અધિકારીએ કહ્યું કે સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે અને એક મહિનાથી વધુ સમયથી તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના ખંભાત અને હિંમતનગર શહેરમાં આ વર્ષે એપ્રિલમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન કોમી રમખાણો થયા હતા. તે દરમિયાન હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સંપત્તિને નુકસાન થયું હતું.