શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 નવેમ્બર 2018 (12:41 IST)

રો-રો ફેરીમાં માવા-મસાલાની નાનકડી કોથળીને કારણે જહાજ મધદરિયે બંધ પડ્યું હતું

દહેજ-ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરીમાં સામેલ વોયેજ સિમ્ફની જહાજ ઘોઘાથી પાંચ નોટીકલ માઈલ દૂર દરિયામાં ખોટવાયું હતું. આ ફેરીનું એન્જિન દરિયામાં ગરમ થઇ જતાં તેને ત્યાં જ અટકાવવી પડી હતી. મળતી માહિતી પ્રમાણે આ રોપેક્ષ ફેરીને બીજું કંઇ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં માવા-મસાલાની નાનકડી કોથળી ભારે પડી હતી. જેના કારણે જહાજનું એન્જિન ગરમ થઇ ગયું હતું અને બંધ કરવું પડ્યું હતું. આ ફેરીમાં તે સમયે ૪૬૧ મુસાફરો અને વાહનો હતો. પરંતુ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ જહાજના એન્જિનને ઠંડુ રાખતી કુલિંગ સિસ્ટમની પાઇપમાં પ્લાસ્ટિકની કોથળી ફસાઇ ગઇ હતી. જેના કારણે તેમાંથી પાણી પસાર થઇ શકતુ નહોતું અને તેનાથી એન્જિન ઓવરહીટ થઇ જતા તેને ત્યાં જ બંધ કરી દેવું પડ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી બંધ પડેલું આ જહાજ હજુ દસ દિવસ સુધી ચાલુ થઇ શકે તેમ નથી કારણ કે રિપેરિંગ કરતા જ દસ દિવસનો સમય લાગશે.
જહાજના એન્જિનને ઠંડુ રાખવા માટે જે કુલિંગ સિસ્ટમ હોય છે તેમાં દરિયાનું જ પાણી ઉપયોગમાં લેવાતું હોય છે. જો કે, દરિયાના પાણીમાં તરતી કોથળી પણ પાણી સાથે ખેંચાઇ આવતા તે પાઇપમાં ફસાઇ ગઇ હતી અને એન્જિનના કુલિંગ સિસ્ટમમાં ગડબડ ઉભી થઇ હતી. કુલિંગ સિસ્ટમ માટે જે પાણી સમુદ્રમાંથી ખેંચાય છે તે ખાસ ઉંડેથી નહીં પરંતુ ઉપરની સપાટીમાંથી જ ખેંચાય છે. જેના કારણે પાણી સાથે કાદવ પણ પાઇપમાં ખેંચાય આવે છે. કાદવના ભરાવાને લીધે પાઇપ આમ પણ સાંકડી થઇ ગઇ હતી અને તેમાં આ પ્લાસ્ટિકની કોથળી ફસાઇ જતા પાણી કુલિંગ સિસ્ટમ સુધી પહોંચી શકતું નહોતું.