સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (12:01 IST)

લોકરક્ષકની પરિક્ષાનો ભાંડો ફૂટ્યા પછી વન સંરક્ષકની પરીક્ષા પણ મોકુફ

ગુજરાત સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટના ભરતી બોર્ડના અણઘડ નિર્ણયોથી ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે. તાજેતરમાં લોકરક્ષક પેપર લીક તથા ટાટની પરીક્ષા રદનો મામલો તો હજુ શાંત થયો નથી અને વન રક્ષક સંવર્ગ-3ની પરીક્ષા મોકુફીનો વિવાદ સામે આવ્યો છે. રાજ્યના કુલ 4.97 લાખ ઉમેદવારોની આગામી ૨૩મી ડીસેમ્બરના રોજ યોજાનાર વન રક્ષકની પરીક્ષા ભરતી બોર્ડ દ્વારા મોકુફ રાખવામાં આવી છે.
જોકે પરીક્ષા મોકુફ રાખવા પાછળનુ કારણ જણાવતા સુત્રો કહે છે કે, પરીક્ષાની જાહેરાત થયા બાદ કુલ 4.97 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હતા ભરતી બોર્ડ દ્વારા તારીખ જાહેર કરી દેવાઈ હતી. પરંતુ પરીક્ષા લેવા માટેના કેન્દ્રો જ નક્કી કરવાનુ ભુલી ગયા હતા. જેથી છેલ્લી ઘડીએ ઘણી દોડાદોડ કરી પરંતુ પરીક્ષા લેવા માટે કેન્દ્રો ન મળતા પરીક્ષા મોકુફ રાખી છે. હજુ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.
વધુમાં સુત્રો જણાવે છે કે, વન રક્ષકની પરીક્ષા લેવા માટેના કેન્દ્રો નક્કી કરવાની જવાબદારી ગુજરાત યુનિર્વિસટીને સોંપવામાં આવી હતી. પરંતુ ગુજરાત યુનિર્વિસટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાનુ જ ભુલી ગઈ અને બાદમાં પરીક્ષા લેવાનુ યાદ આવી જતા વિવિધ જિલ્લાઓના ડીઈઓનો સ્કૂલો માટે ઘણો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સ્કૂલો મળી નહી. ઘણા જિલ્લા શિક્ષણાધિકારીઓને તો આવી કોઈ પરીક્ષા યોજાવાની છે તેની પણ જાણ નહોતી. પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાની જવાબદારી સોંપાઈ હોવા અંગે ગુજરાત યુનિર્વિસટીના વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ થઈ શક્યો નહી.