રવિવાર, 25 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: સોમવાર, 22 ઑક્ટોબર 2018 (12:56 IST)

રેશ્મા પટેલે ભાજપ સામે બંડ પોકાર્યો કહ્યું- વાયદાથી ફરી ગઈ છે ભાજપ સરકાર

ભાજપના વધુ એક નેતા ભાજપ સામે બંડ પોકારવાના મુડમાં છે. વાયદાઓ આપવામાં માહેર ભાજપ સરકાર પોતાના નેતાઓને પણ વાયદાઓ જ આપે છે તે રેશમા પટેલની પોસ્ટથી પૂરવાર થયું છે. એક વર્ષ પહેલા રેશમા પટેલ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે કેટલીક માગ પૂર્ણ કરવાની શરતે જોડાયા હતા. પરંતુ ભાજપ સરકારે તેમની આ માગ પૂર્ણ ન કરતા તેઓ હવે લડવાના મુડમાં આવી ગયા છે. રેશમા પટેલ આ નામ એક વર્ષ પહેલા પાટીદાર નેતા તરીકે લેવાતું હતું પરંતુ એક વર્ષ પહેલા રેશમા પટેલ પર ભાજપનો સિક્કો લાગી ગયો. એટલે કે તેઓ ભાજપમાં જોડાયા હતા. 
ત્યારે એક વર્ષ બાદ હવે રેશમા પટેલે ભાજપ સરકાર સામે બળાપો ઠાલવ્યો છે. રેશમા પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે. જે દર્શાવે છે કે રેશમા પટેલ હવે ભાજપમાં બંડ પોકારવાના મુડમાં છે. શહીદ પરિવારને મદદ કરવાનો જે વાયદો કર્યો હતો તે વાયદાથી ભાજપ સરકાર ફરી ગઈ છે. એક વર્ષ બાદ રેશમા પટેલને લાગ્યું કે ભાજપ સરકાર પ્રજાની જેમ તેમને પણ છેતરી રહી છે.
રેશમા પટેલ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તેઓ પાર્ટીમાં જી, હજુરી કરવા નથી માગતા. સમાજની માગ પૂર્ણ કરવાનો વાયદો આપ્યો હતો તો પૂરો કરો. નહીંતર આંદોલનકારીનો મૂળ સ્વભાવ છે તે પાર્ટી સામે પણ ઉજાગર કરવો પડશે. રેશમા પટેલના આ શબ્દોને પાર્ટી સામેનો બળાપો સમજવો કે વિનંતી. રેશમા પટેલના આ સૂર વિનંતીના તો લાગી રહ્યાં નથી.  તેમણે ભાજપ સરકારને ઝાટકીને કહ્યું કે શહીદ પરિવારને નોકરી આપવાની માગ પૂર્ણ કરો નહીંતર આ માગણીને પૂર્ણ કરાવવા તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આગામી સમયમાં જો ભાજપ સામે જ રેશમા પટેલ મુળ આંદોલનકારીના સ્વભાવમાં આવી જાય તો ભાજપને ભારે પડી શકે છે.