પેરામેડિકલ સ્ટાફની ઉમદા સેવા જોઈને સુરતના નિવૃત્ત મહિલા પ્રોફેસરે રૂ.1 લાખનો ચેક કર્યો અર્પણ

news of gujarat
Last Modified મંગળવાર, 4 મે 2021 (08:08 IST)
કોરોના મહામારીમાં સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત કોરોના આઈસોલેશન સેન્ટરોમાં જીવના જોખમે સેવાભાવી કાર્યકર્તાઓ દર્દીઓની સેવા કરી રહ્યાં છે. સુરતની ૬૦ જેટલી સેવાભાવી સંસ્થાઓએ સાથે મળી 'સેવા' નામની સંયુક્ત સંસ્થાના નેજા હેઠળ આરોગ્યસુવિધાથી સજ્જ ૧૫ આઈસોલેશન સેન્ટરો શરૂ કર્યા છે.
'સેવા' સંચાલિત આવા આઈસોલેશન સેન્ટર્સમાં સેવા આપતા પેરામેડિકલ સ્ટાફની ઉમદા કામગીરી જોઈને સુરતના કોકિલાબેન મજીઠીયાએ રૂ.એક લાખનો ચેક અર્પણ કર્યો છે.

તેઓ ઈચ્છે છે કે આ નાણામાંથી આઈસોલેશન સેન્ટરોમાં રાતદિવસ કામ કરતાં પેરામેડિકલ સ્ટાફને વેતન ચૂકવવામાં આવે. તેમના પ્રેરણાદાયી કદમની સરાહના કરતાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા કોકિલાબેનના હસ્તે જ પેરામેડિકલ સ્ટાફની બહેનોને પગારના ચેક અર્પણ કરાવ્યા હતાં.

ઓલપાડ કોલેજમાં અધ્યાપન સેવા આપીને નિવૃત્ત થયેલાં કોકિલાબેને તેમના પેન્શન અને નિવૃત્તિની મુડીમાંથી આ રકમ સેવાભાવનાથી પ્રેરાઈને અર્પણ કરી હતી. આજે તેમણે વિવિધ આઈસોલેશન સેન્ટરમાં આરોગ્ય સેવા આપતી બહેનોને સ્વહસ્તે પગારના ચેકો અર્પણ કર્યા હતા. જેમાં નાના વરાછા કોમ્યુનિટી હોલ ખાતે સંસ્કૃતિ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા સંચાલિત આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતી દિપાલી રાજેશભાઈ કિકાણી તથા ભુમિકા દેવરાજભાઈ મિરોલીયાને પગારના ચેક અર્પણ કર્યા હતા.
આ ઉપરાંત, ઉત્રાણ ગામ ખાતે કોમ્યુનિટી હોલમાં લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આઈસોલેશન સેન્ટરમાં કામ કરતા કલ્પાબેન પરમાર અને
અરવિંદભાઈ એમ.ચાવડાને તેમના નિ:સ્વાર્થ સેવા મૂલ્ય પેટે કોકિલાબેને ચેક અર્પણ કર્યા હતા.

કોકિલાબેન જણાવે છે કે, 'હું ભલે કોરોનાગ્રસ્તોની જાતે સેવા કરી ન શકું, પણ તેમને આર્થિક ટેકો આપીને મદદરૂપ તો બની શકું ને..' આ ભાવના સાથે મેં સમાજ પ્રત્યેની મારી ફરજ નિભાવી છે. જીવના જોખમે સેવા કરતાં આ સાચા કોરોનાયોદ્ધાઓને સહાયરૂપ થવું એ ખરી માનવસેવા છે.
ચેક અર્પણ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા અને ટ્રસ્ટીઓ ઉપરાંત ઈનરવ્હીલ કલબ-સુરત ઇસ્ટના જયશ્રીબેન ભાલાળા અને આરોગ્યકર્મીઓએ ઉપસ્થિત રહી નિવૃત્ત પ્રોફેસરની સેવાકીય સંવેદનાને બિરદાવી હતી.


આ પણ વાંચો :