શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (17:40 IST)

સંજય રાઉતના નિવેદનથી ગુજરાતમાં વિરોધનો વંટોળ

સુશાંત સુસાઈડ કેસ મામલે સોશિયલ મીડિયા પર બોલીવૂડની પોલ ખોલતી તથા મહારાષ્ટ્ર સરકારને જડબાતોડ જવાબ આપતી બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત સાથેના વિવાદમાં શિવસેનાના નેતા સંજય રાઉતે અમદાવાદની સરખામણી મીની પાકિસ્તાન સાથે કરી દેતાં હવે ગુજરાત ભાજપની નેતાગીરીએ તેને વખોડી નાંખીને સંજય રાઉતને ચીમકી આપી છે કે ગુજરાતને બદનામ કરવાનું બંધ કરો.શિવસેના નેતા સંજય રાઉતનાં નિવેદનને સખત શબ્દોમાં વખોડી નાખતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કંગના રણોત સાથેના ઝઘડામાં ગુજરાત, અમદાવાદને ટાર્ગેટ કરીને બદનામ કરવાનાં ઈરાદાથી સંજય રાઉતે ગુજરાતમાં અમદાવાદને મીની પાકિસ્તાન કહીને ગુજરાતનું હળાહળ અપમાન કર્યું છે. સંજય રાઉતે ગુજરાત, અમદાવાદ અને અમદાવાદીઓની માફી માંગવી જોઈએ.પંડ્યાએ કહ્યું હતું કે, આ ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે. સરદાર પટેલે 562 રજવાડાઓને એક કરીને ભારતને એકતા-અખંડિતતાને મજબૂત કરી છે. જૂનાગઢ અને હૈદરાબાદને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું અને કુનેહ અને શક્તિથી ભારતમાં જ રાખવામાં સફળ થયા. તેમનું સપનું કાશ્મીરમાં 370 હટાવીને ખરા અર્થમાં ભારતનું અવિભાજ્ય અંગ બને તેવું હતું.આ સપનાને ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહે પૂર્ણ કર્યું છે. એટલે ભારતની એકતા-અખંડિતતાના ઇતિહાસ અને વર્તમાનમાં ગુજરાતના યોગદાનને યાદ રાખવું જોઈએ. શિવસેના કોઈપણ ઘટનાક્રમમાં ઈર્ષા, દ્વેષ અને બદ્ઈરાદાથી ગુજરાત, ગુજરાતી અને ગુજરાતના નેતાઓને ટાર્ગેટ કરીને બદનામ કરવાનું બંધ કરે તેવી અપીલ પણ પંડ્યાએ કરી હતી.સંજય રાઉતે આ મુદ્દે અમદાવાદની સરખામણી મીની પીકિસ્તાન સાથે કરતાં હવે ગુજરાતમાં વિરોધનો સૂર ઉઠયો છે. સંજય રાઉત અમદાવાદની માફી માંગે તેવી લોક લાગણી ઊઠી રહી છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે એવી માંગ કરી છે કે સંજય રાઉતે તેમના નિવેદનના મામલે માફી માંગવી જોઈએ, નહીં તો અમે તેમનું મોઢુ કાળુ કરી નાખીશું. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ સાથે સરકાર ચલાવી રહેલી શિવસેના સાથે ભાગીદારી વાળી સરકાર કૉંગ્રેસે રાઉતના નિવેદનથી ગુજરાતમાં કોંગ્રેસે અંતર બનાવી લીધુ છે. ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે ‘ગુજરાત વિશે કોઈ પણ વાત ચલાવી ન લેવાય. આ સંજય રાઉતનું અંગત નિવેદન હોઈ શકે, કોંગ્રેસ એમની સાથે સહમત નથી.’