ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 નવેમ્બર 2018 (12:26 IST)

ભાર વગરનું ભણતરઃ બેગમાંથી સરકારે ભાર કાઢ્યો નક્કિ કર્યું બાળકોની બેગનું વજન

ગુજરાત રાજ્યમાં ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં ભાર વિનાના ભણતર માટે રાજ્ય સરકાર દ્વારા નવતર અભિગમ અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ મેળવવા માટે દફતરમાં વધારે પ્રમાણમાં વજન ઉચકવું પડતું હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના દફતર-સ્કૂલ બેગના વજનને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગ માનવ કલ્યાણ મંત્રાલય દ્વારા કરાયેલા આદેશ મુજબ ગાઈડલાઇન ઘડવા નિર્દેશ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧ અને ૨ના વિદ્યાર્થી માટે સ્કૂલ બેગનું વજન દોઢ કિલો નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ધોરણ ૩થી ૫ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગ ૨થી ૩ કિલો વજનની રહેશે. જયારે ધોરણ ૬ અને ૭ના વિદ્યાર્થી માટે ૪ કિલો વજનનું દફતર રહેશે. તો ધોરણ ૮થી ૯ના વિદ્યાર્થી માટે સાડા ચાર કિલો અને ધોરણ ૧૦ના વિદ્યાર્થી માટે ૫ કિલો સુધી સ્કૂલ બેગનું વજન નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં સરકારી હોય કે ખાનગી શાળાઓ, આ તમામ સ્કૂલોમાં ૬થી ૭ વિષયો હોય છે.જેમાં લગભગ દરેક સ્કૂલમાં ૬થી ૮ જેટલા પિરીયડ પણ હોય છે. જેમાં દરેક સ્કૂલમાં તમામ વિષયનો એક પિરીયડ દરરોજ આવતો હોય છે. આથી દરેક વિષયના પુસ્તકો અને નોટ સહીત કંપાસ તેમજ લંચબોક્ષ સહીત અન્ય વસ્તુઓ લઇ જવામાં અધધ..વજન થઇ જતું હોય છે. આથી હવે સરકારની ગાઈડલાઈન મુજબ સ્કૂલો દ્વારા બાળકોની સ્કૂલ બેગનું વજન ઓછું કરવાનું આયોજન કરવું પડશે. જેમાં દરેક સ્કૂલોને પોતાની પોલીસી પ્રમાણે વિદ્યાર્થીઓની નોટબુક્સ કે પુસ્તકોમાં ઘટાડો કરવા સિવાય જુદા જુદા વિષયો પૈકી કોઈ વિષયોના પિરીયડ ઓછા કરવાનો વિકલ્પ રહે છે. આ ઉપરાંત કેટલીક સ્કૂલો ડીજીટલ બની શકે છે તો કેટલીક સ્કુલોમાં જ કબાટ જેવી સુવિધા આપી પુસ્તકો-નોટબુકનો ભાર ઓછો કરી શકે તેમ છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ ખાનગી અને સરકારી શાળાઓ આ આદેશનો તાત્કાલિક અસરથી કડક અમલ કરવા જણાવાયું છે. પરંતુ તેમાં આ આદેશનો અમલ નહીં કરનાર શાળાઓ સામે કેવા અને ક્યારે પગલાં ભરવામાં આવશે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી