1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 એપ્રિલ 2021 (13:07 IST)

કોરોનાનો કકળાટ: કોઇએ કન્યાદાન પહેલાં વિદાય લીધી, તો કોઇએ સાસરે જતાં પહેલાં દુનિયાને અલવિદા કહ્યું

કોરોનાને કારણે અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે વધુ આધાતજનક સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર પોલીસના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ અમૃતભાઈ માયાભાઈ રાઠોડ કોરોના સંક્રમિત થયા હતા. રાજકોટ શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ રાઠોડનું મોત થયાના માત્ર 12 કલાકના સમયગાળામાં તેમના પત્નીનું પણ મોત નીપજ્યું છે. 12 કલાકમાં જ કોરોના ત્રણ-ત્રણ સંતાનોના માતા-પિતાને ભરખી ગયો. બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દેતાં તેમના માથે આભ તૂટી પડ્યું છે. 
 
આગામી 24મી મેના રોજ દંપતી પોતાની દીકરીનું કન્યાદાન કરવાના હતા. દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ દંપતીએ દમ તોડી દીધો છે. 
અમૃતભાઈનો પુત્ર તેમજ તેના પરિજનો અંતિમવિધિ પૂર્ણ કરીને હજુ તો ઘરે પહોંચ્યા હતા ત્યાં મોડી રાત્રે એકાદ વાગ્યે અમૃતભાઈના ધર્મપત્ની લાભુબેને પણ દમ તોડી દીધો હતો. લાભુ બેનને પણ કોરોના થયો હોવાથી તેઓ ઘરે જ સારવાર લઇ રહ્યા હતા. અમૃતભાઈ અને લાભુ બેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.
 
તો આ તરફ તાપી પણ આઘાતજનક સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં કોરોના સામે સતત લડાઇ લડી રહેલા કોરોના વોરિયર્સ જંગ હારી ગયા છે. કપરાડાના મોટાપોંઢામાં રહેતી મનીષા પટેલને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમને  સેલવાસની ખાનગી હોસ્પિટલમાં વેંટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારે બુધવારે મનીષા કારોના સામે જીંદગીની બાજી હારી ગઇ હતી. 
 
આવતીકાલે 23 એપ્રિલે મનીષાના લગ્ન હતા. મનીષાએ સાસરીયે વિદાય થવાના બદલે આ દુનિયાને વિદાય કરીને જતી રહી છે. જેના લીધે સમગ્ર પંથકમાં ગમગીન માહોલ સર્જાયો છે. પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઇ ગઇ છે.