મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2017 (13:55 IST)

સોમનાથ મહાદેવને ૩૦ મીટરની કાઠિયાવાડી પાઘડી અર્પણ કરાઈ

રત્નાકર સમુદ્ર તટે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ વર્ષભર ભારે માત્રામાં વહેતો રહે છે. ભક્તો મહાદેવને રીઝવવા બિલ્વપત્રો - પુષ્પો - દ્રવ્યો - વસ્ત્રો - સુવર્ણ - ચાંદી સહિત ભાવના સ્વરૂપે શિવાર્પણ કરતા હોય છે. ભગવાન શિવે ત્રિપુર નામના અસુરના ત્રણ ધાતુના સુવર્ણ-રજત-લોહ નિર્મિત ત્રણ નગરોનો બાળીને નાશ કર્યો હતો. આ દિવસ કાર્તિકી પૂર્ણિમાનો હતો. આ દિવસે અસુરના કષ્ટમાંથી મુક્તિ મળતા ત્રણે લોકમાં મહાઉત્સવ થયો હતો.

ભગવાન શિવ ત્યારથી ત્રિપુરારિ કહેવાયા અને કાર્તિક સુદી પૂર્ણિમા ત્રિપુરાપૂર્ણિમા નામે પ્રસિદ્ધ થઈ હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે આ ઉત્સવ ખૂબ જ માહાત્મય ધરાવે છે. કારતક માસની સુદી અગિયારસથી પૂનમ સુધીનો પાંચ દિસનો મેળો યોજાયો હતો. બહોળી સંખ્યામાં લોકો સાંસ્કૃતિક-આધ્યાત્મિક-સાત્વિક આનંદની અનુભૂતિ કરી ધન્ય બન્યા હતા. ભક્તો દ્વારા મહાદેવને ભેટ અર્પણ કરવાનું અનેરું મહત્ત્વ છે. રાજ ક્ષાત્ર સાંસ્કૃતિક ગૌરવ સંસ્થાન-રાજકોટના ધર્મરાજસિંહ વાઘેલા તથા હર્ષભાઈ પટેલ દ્વારા સંકલ્પવિધિ કરી એક અદ્ભુત પાઘડી સોમનાથ મહાદેવને શિવાર્પણ કરવામાં આવી હતી. ધર્મરાજસિંહ ૩૦૦ પ્રકારની વિવિધ પાઘડીઓ બાંધવાની કળામાં નિપુણ છે. જેમાં વીર હમિરસિંહજી ગોહિલ જેઓએ સોમનાથ મહાદેવની રક્ષાકાજે શહીદ થયેલા આ પરંપરામાં પહેરવામાં આવતી પાઘડી એટલે કે કાઠિયાવાડી પાઘડી ખાસ તૈયાર કરી હતી. જેઓને કાર્તિકી પૂર્ણિમાએ પરિવારજનો સાથે મહાદેવને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. પાઘડીની વિશેષતા એ છે કે આ પાઘડી આંટીવાડી પાઘડી તરીકે પણ પ્રખ્યાત છે જેમાં ૧૨૦ મીટર કાપડની આંટીઓ લાગેલી છે. ૭ મીટરનો ઘેરાવ તેમ જ ૩૦ મીટરની આ પાઘડી ધર્મરાજસિંહના મતે ચોક્કસ થીમ પર બનાવેલ આ સૌથી મોટી પાઘડી છે. સાથે જ આ પાઘડીમાં ચંદ્ર બિરાજમાન છે, મહાદેવે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલા ચંદ્રને પોતાના જટા-સંભારમાં ધારણ કર્યો તેથી ચંદ્રશેખર કહેવાયા અને સોમનાથ નામે અનંતકાલ માટે પ્રસિદ્ધ થયા આ દિવસ કાર્તિકી પૂર્ણિમાનો હતો જેથી આ પાઘડી મહાદેવના આભૂષણમાં વિશેષ સ્થાન ધરાવે છે. જેમના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા, મહાદેવનો પાઘડી સ્વરૂપ સોમેશ્ર્વર શૃંગાર મનમોહક ભાસી રહ્યો હતો.