પાટણ બસસ્ટેન્ડ પાસે પુરી શાકની લારી ચલાવતી ઉર્વીશા જૂડો સ્પર્ધામાં પ્રથમ
પાટણ શહેરના બસ સ્ટેન્ડ પાસે પુરી-શાકની લારી ચલાવી પરિવારની જીવન નિર્વાહ ચલાવતા દરબાર કિર્તીસિંહ હલુસિંહ અને તેમના ધર્મપત્ની તખીબેન દ્વારા પોતાની ત્રણેય દીકરી કિરણ, નેહા અને ઉર્વિશા અને પુત્ર પૂનમસિંહને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં ઉર્વિશા દરબારે રાજ્યકક્ષાની નડીયાદ અને અમદાવાદ ખાતે યોજાયેલી અંડર 17ની જૂડોની સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બની પરિવાર સહિત પાટણ અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે.
આગામી દિવસોમાં નેશનલ કક્ષાની અંડર 17ની પંજાબના જલંધર ખાતે યોજાનારી જુડો સ્પર્ધામાં ઉર્વિશા દરબારે વિજેતા બની ગુજરાતનું ગૌરવ વધારવાની ખેવના વ્યકત કરી હતી. તેણીએ પોતાની જીતનો યશ પોતાના જૂડો ગુરૂ પ્રણવ રામી અને ગૌરવ રામી સહિત વ્યાયામ શિક્ષકને આપી ઓલિમ્પિક સ્પર્ધામાં વિજેતા બની સારા જૂડો કોચ બનવાની તમન્ના વ્યકત કરી હતી. તેણીએ રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનું પ્લેટફોર્મ ગણાવી સરકાર દ્વારા દર માસે મળતા એક્સિલન્સના રૂ.5 હજારની સહાયની રકમથી પોતે જૂડોની આગવી ટ્રેનિંગ મેળવી ગુજરાતનું નામ જૂડો સ્પર્ધામાં વિશ્વ લેવલે લઇ જવા પ્રયત્નશીલ હોવાનું પણ તેણીએ જણાવ્યુ હતું. રમત–ગમત ક્ષેત્રની સાથે સાથે તેણી એક્સ સ્ટુડન્ટ તરીકે ધો-12માં અભ્યાસ કરતી હોવાનું જણાવ્યુ હતું.