સોનિયા ગાંધી બન્યાં વચગાળાનાં કૉંગ્રેસ અધ્યક્ષા, વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો

Last Modified રવિવાર, 11 ઑગસ્ટ 2019 (10:15 IST)
કૉંગ્રેસના આગામી અધ્યક્ષ ચૂંટવા માટે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં સોનિયા ગાંધીને પાર્ટીના વચગાળાનાં અધ્યક્ષ ચૂંટવામાં આવ્યાં છે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબિ આઝાદ તથા હરિશ રાવતે બેઠક બાદ આ માહિતી આપી હતી, તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
ડિસેમ્બર-2017માં રાહુલ ગાંધીએ કૉંગ્રેસના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો, પરંતુ લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના પરાજયની જવાબદારી સ્વીકારી તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
સોનિયા ગાંધી સૌથી લાંબા સમય માટે કૉંગ્રેસના અધ્યક્ષપદે રહેવાનો કીર્તિમાન ધરાવે છે.
બેઠકમાં અચાનક પહોંચ્યા રાહુલ
સવારે રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધીએ કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકથી ખુદને અલગ કરી દીધા હતા.
સોનિયા ગાંધીએ કહ્યું કે "આ અંગે ચર્ચા ચાલી રહી છે અને હું કે રાહુલજી આ પ્રક્રિયાનો ભાગ નહીં બનીએ."
એમણે કહ્યું કે "આગામી પ્રમુખ કોણ હશે એનો નિર્ણય કમિટી કરશે અને એ નિર્ણયની પ્રક્રિયામાં પૂર્વપ્રમુખ હોવાને નાતે હું કે રાહુલ ગાંધી ભાગ ન બની શકીએ. "
સાંજે ફરી એક વખત CWCની બેઠક મળી હતી, જેમાં અચાનક જ રાહુલ ગાંધી પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, કાશ્મીરમાં અશાંતિ પ્રવર્તી રહી હોવાના અહેવાલોને પગલે તેમને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા.
રાહુલે માગ કરી હતી કે કાશ્મીરમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ઔપચારિક નિવેદન આપવામાં આવે.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. એલ. પુનિયાના કહેવા પ્રમાણે, એઆઈસીસી (ઑલ ઇંડિયા કૉંગ્રેસ કમિટી)ની બેઠકમાં ચૂંટણી થશે, ત્યાર સુધી સોનિયા ગાંધી વચગાળાનાં અધ્યક્ષપદે રહેશે.
સોનિયા સામે પડકાર
શનિવારે મળેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ગુલામ નબિ આઝાદ, હરીશ રાવત સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો.
લોકસભામાં પરાજય પછી કૉંગ્રેસ પાર્ટી દરેક સ્તરે પડકારોનો સામનો કરી રહી છે, જે રાજ્યોમાં કૉંગ્રેસની સરકાર છે ત્યાં પણ આંતરિક જૂથબંધીનો સવાલ ઊભો છે.
માર્ચ મહિનામાં એઆઈસીસીનું સત્ર મળ્યું હોવાથી, વર્ષાંત સુધીમાં સત્ર મળે તેવી શક્યતા નહિવત્ છે.
કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી સામે મહારાષ્ટ્ર, ઝારખંડ તથા હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલાં પાર્ટીને ફરીથી બેઠી કરવાનો પડકાર રહેશે.
કૉંગ્રેસના પ્રમુખ તરીકે મલ્લિકાર્જુન ખડગે, જ્યોતિરાદિતિય સિંધિયા, ચીન પાઇલટ અને મુકુલ વાસનિકનાં નામો ચર્ચામાં હતાં.


આ પણ વાંચો :