બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (10:38 IST)

ઈ-સરકાર વેબ એપ્લિકેશન થકી રાજ્યની સરકારી કચેરીઓ બનશે પેપરલેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તથા રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા "ઇ-સરકાર" વેબ એપ્લિકેશન શરૂ કરવા કરવામાં આવી છે. હવે સરકારી કચેરીઓ પણ આ વેબ એપ્લિકેશન થકી પેપરલેસ બનશે. રાજ્યના તમામ જિલ્લામાં ત્વરીતપણે ઈ-સરકાર વેબ એપ્લિકેશનના અમલીકરણ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે માટે તમામ જિલ્લામાં અધિકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. 
 
પાટણ જિલ્લો પણ ઈ-સરકાર વેબ એપ્લિકેશનના અમલીકરણ માટે કટીબદ્ધ છે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના તમામ અધિકારીઓની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજ્યમાં IWDMS(ઇન્ટિગ્રેટેડ વર્ક ફ્લો એન્ડ ડોક્યુમેન્ટ મેનજમેન્ટ સિસ્ટમ) નામની એપ્લિકેશન વહીવટી કામગીરી માટે ચાલુ છે. જેમાં હવે અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરીને ઇ-સરકાર વેબ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી એટલે કે, 31 ઓક્ટોબરથી રાજ્યમાં ઇ-સરકાર વેબ એપ્લિકેશનનો પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. 
 
ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતી એટલે કે 25 ડિસેમ્બરથી રાજ્યની વહિવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપલલેસ કરવા ઈ- સરકાર વેબ એપ્લિકેશનનો સંપૂર્ણપણે અમલ કરાવવા માટે કામગીરી શરૂ કરાઈ છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાની તમામ કચેરીઓમાં હવેથી ઓનલાઈ કામગીરી કરવામાં આવશે. આ કામગીરી માટે તમામ કચેરીઓના વડાઓની કલેક્ટર ઓફિસ પાટણના નવા કોન્ફરન્સ હોલમાં વિડીયો કોન્ફરન્સ અને પ્રત્યક્ષ તાલીમનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. 
 
જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને તેમજ ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પ્રદિપસિંહ રાઠોડની ઉપસ્થિતીમાં આયોજિત આ તાલીમમાં કુલ 300 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ તાલીમ મેળવી હતી. મુખ્યમંત્રીએ સુશાસન દિવસે રાજ્યના જિલ્લાઓને ઈ-સરકાર વેબ એપ્લિકેશનના અમલીકરણ માટે અપીલ કરી હતી, જે અપીલ પ્રત્યે હકારાત્મક વલણ રાખીને પાટણ જિલ્લાની રેવેન્યુ,પંચાયત સહીત તમામ કચેરીઓને પેપરલેસ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર કટીબદ્ધ છે. 
ઈ-સરકાર વેબ એપ્લિકેશનના અમલીકરણથી માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિઝીટલ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ વેબ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેક્ટર કચેરી ડી.ડી.ઓ. કચેરી જેવી જિલ્લા કક્ષાની કચેરીઓ અને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી પણ કાર્યરત થશે. 
 
ઈ-સરકાર વેબ એપ્લિકેશનના ઉપયોગથી સરકારી કચેરીઓમાં રજીસ્ટ્રીનું ભારણ ઓછુ થઈ જશે. એક કચેરીથી બીજી કચેરીએ ટપાલ પહોંચાડવા માટે હવે કોઈની જરૂર નહી પડે કારણ કે તમામ પ્રકારની ટપાલો પણ ઈ-સરકાર વેબ એપ્લિકેશન મારફતે પહોંચશે. અધિકારીઓએ આ ઈ-ટપાલોને અસાઈન્ડ જ કરવાની રહેશે. જે ટપાલો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની રહેતી ન હોય તેવી ટપાલો માટે ઈ-સરકાર વેબ એપ્લિકેશનમાં KWP એટલે કે કીપ વીથ પેપરનું નામનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. 
 
કચેરીઓમાં આવતી-જતી ટપાલો માટે આવક-જાવક નંબર ખૂબ જરૂર છે. ઈ-સરકાર વેબ એપ્લિકેશન થકી આવક-જાવક નંબર પણ ઓનલાઈન થઈ જશે, તેમજ ઈ-સરકાર વેબ એપ્લિકેશનમાં આવેલ ઈ-મીટીંગ વિકલ્પ થકી તમામ મીટીંગોનું ટાઈમ-ટેબલ પણ ઓનલાઈન થઈ જશે. નાગરીકો માટે પણ ઈ-સરકાર વેબ એપ્લિકેશનમાં વ્યવસ્થા કરવામાં આવી છે. કચેરીએ આવતા મુલાકાતીઓ માટે હવે ઈ-સરકાર વેબ એપ્લિકેશનમાં અપોઈન્ટમેન્ડ સેડ્યુઅલ નામનું ઓપ્શન આપવામાં આવ્યુ છે, જેના દ્વારા મુલાકાતનો સમય પણ ઓનલાઈ નક્કી કરવામાં આવશે જેથી નાગરીકોએ સીધા જ કચેરીએ આવવાની જરૂર નહી પડે. 
 
નાગરિકોને તેમની કેટલીક જરૂરી વિગતો આપ્યા બાદ તેમને યુઝર આઈડી અને પાસવર્ડ ફાળવવામાં આવશે. નાગરિકોને આ એપ્લિકેશનના ઉપયોગ માટે જરૂરી ટેક્નિકલ મદદ પણ ચેટબોટના માધ્યમથી આપવામાં આવશે. ઈ-સરકાર વેબ એપ્લિકેશન અંતર્ગત લોક ફરિયાદ કરવી તથા મુલાકાત માટે સમય મેળવવો જેવી નાગરિકલક્ષી સેવાઓ પણ આવરી લેવામાં આવી છે. આ એપ્લિકેશનના અમલીકરણથી કચેરીઓની તમામ કામગીરીઓ પારદર્શક બનશે. 
 
તમામ ફાઈલોના ચોક્કસ લોકેશન પણ ઓનલાઈન રહેશે. ઈ-સરકાર વેબ એપ્લિકેશન થકી કચેરીઓની કામગીરીમાં ઝડપ વધશે અને અધિકારી કોઈ પણ જગ્યાથી કોઈ જરૂરી ફાઈલ એક્સેસ કરીને અસાઈન્ડ શકશે તેમજ આ એપ્લિકેશનના અમલીકરણથી સરકારી કચેરીઓમાં સમય અને શક્તિનો બચાવ થશે, ખર્ચ ઘટશે અને ઝડપી કાર્ય થશે.