આગામી મહિને પીએમ મોદી આવશે ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સ

Last Modified ગુરુવાર, 25 જુલાઈ 2019 (12:28 IST)
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે પધારવાના છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સને લઈને પીએમ મોદી ગુજરાત આવશે. સૌ પ્રથમવાર દિલ્હીની બહાર વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સ યોજાવા જઈ રહી છે. ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સીટી ખાતે આ વાર્ષિક કોંફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પીએમ મોદી, વિદેશમંત્રી ડો એસ જયશંકર સંબોધન કરશે. જ્યારે તમામ દેશોમાં આવેલા ભારતીય દુતાવાસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

આ કોંફરન્સમાં ભારતીય વિદેશ મંત્રાલયની કામગીરીને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકાશે તો સાથે જ વિદેશમાં વસતા ભારતીયો માટે મોદી સરકારના રોડમેપને લઈને પણ ચર્ચા થશે. પીએમ મોદી તમામ અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડશે. વિદેશ મંત્રાલય સામેના પડકારોને લઈને પણ ચર્ચા-વિચારણા થશે. વિદેશમાં ભારતીય કમિશનરો દ્વારા થયેલા કામની પણ સમીક્ષા કરવામાં આવશે. પીએમ મોદી સપ્ટેમ્બર મહિના યુએસ પ્રવાસે પણ જઈ રહ્યા છે ત્યારે તેમના આયોજન અનુસાર આ બે દિવસીય કોંફરન્સની તારીખો નક્કી કરવામાં આવશે. સામાન્ય રીતે એપ્રિલ કે મે મહિનામાં વિદેશ મંત્રાલયની આ વાર્ષિક કોંફરન્સ યોજાતી હોય છે પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીના કારણે આ કોંફરન્સ હવે સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ રહી છે.

નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ અનેક કેન્દ્રીય અને રાષ્ટ્રીય બેઠકોનું યજમાન ગુજરાત બન્યું છે. આ વખતે વધુ એક વાર ગુજરાતમાં કેન્દ્રીય મંત્રાલયનો કાર્યક્રમ યોજવા જઈ રહયો છે. આ પહેલા ગૃહમંત્રાલયની ડીજી કોંફરન્સ પણ ગુજરાતમાં યોજાઈ હતી. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલા કચ્છ ના રણને પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ આપી ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવાની દિશામાં આ પહેલ ગણાઈ રહી છે. વિદેશમાં આવેલા તમામ ભારતીય દુતાવાસ ના અધિકારીઓ જ્યારે કેવડિયા ખાતે મહેમાન બનશે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર પ્રસાર પણ થશે.

આ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ પોલીસ વડાઓની ડીજી કોંફરન્સ પીએમ મોદીની હાજરીમાં યોજાઈ ચુકી છે. પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ગુજરાત સરકાર પણ પોતાનો કોઈ કાર્યક્રમ ગોઠવે તેવી શક્યતાઓ છે પણ હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. વિદેશ મંત્રાલય દ્વારા કાર્યક્રમ ની સત્તાવાર જાહેરાત બાદ ગુજરાત સરકાર પણ કોઈ નિર્ણય લઈ શકે છે. વિદેશ મંત્રાલય ના આ કાર્યક્રમ દરમિયાન પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે.


આ પણ વાંચો :