ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (17:09 IST)

કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ ફરતે મજબૂત સંકજો, બોબી પટેલના એજન્ટોના નામ ખુલ્યા

સ્ટેટ મોનિટરીંગ સેલે કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફ બોબી પટેલ ફરતે મજબૂત સંકજો કસતા વધુ એક ગુનો સોલા પોલીસ સ્ટેશનમાં બુધવારે દાખલ કર્યો છે. વિઝા રેકેટમાં ફેક પાસપોર્ટ અને ફેક ડોક્યુમેન્ટ બનાવીને લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના કૌભાંડમાં એસએમસીએ ભરત ઉર્ફ બોબી સહિત ૧૮ આરોપીઓ સામે ફરિયાદ કરી હતી.

એસએમસીએ આ ફરિયાદમાં બોબીના અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ગાંધીનગર, મહેસાણા અને યુ.એસ. સ્થિત કુલ ૧૭ સાગરિતોને ગુનામાં સામેલ કર્યા છે. આ ગુનાની તપાસ પણ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. ફેક પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ તૈયાર કરીને લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના રેકેટમાં ઝડપાયેલા આરોપીઓ ભરત રામભાઈ પટેલ ઉર્ફ બોબીને સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ૯૪ પાસપોર્ટ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પાસેથી પોલીસને ૭૯ શંકાસ્પદ પાસપોર્ટ મળતા તેની જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. એસએમસીની તપાસમાં શંકાસ્પદ પાસપોર્ટમાંથી પાંચ પાસપોર્ટના નંબરો પાસપોર્ટ ધારકના નામ સાથે મેચ ન થતા હોવાનું પાસપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે પૈકી ચાર પાસપોર્ટ ડમી હોવાની વિગતો એસએમસીને મળી હતી. એસએમસીની તપાસમાં ખૂલ્યું કે, ભરત ઉર્ફ બોબી અને તેના સાગરિતો દ્વારા લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલવા માટે સંપર્ક કરવામાં આવતો તેમજ નાણાંકીય લાભ લઈને તેઓના ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરી બોગસ પાસપોર્ટ બનાવવામાં આવતા હતા. આ પાસપોર્ટ આધારે જૂદા જૂદા દેશોના વિઝા મેળવી ભારત અને અન્ય દેશોની સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ રીતે આરોપીઓએ પેસેન્જરોને ઓળખ બદલીને ગેરકાયદેસર અમેરીકા મોકલ્યાનું તપાસ એજન્સીના ધ્યાને આવ્યું હતું. ડમી પાસપોર્ટ બનાવવાના મામલે એસએમસીએ ભરત ઉર્ફ બોબી રામભાઈ પટેલ સહિત તેના અમદાવાદના ચાર, મહેસાણા-ગાંધીનગરના ૪, મુંબઈના ૩, દિલ્હીના ૫ અને અમેરીકાનો એક મળીને કુલ ૧૭ સાગરિતો થઈ ૧૮ સામે  આઈપીસીની કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) તથા પાસપોર્ટ એકટની કલમ-૧૨ મુજબનો ગુનો સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. શંકાસ્પદ પાસપોર્ટ આરોપીની સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચાંદલોડીયા ખાતેની ઓફિસમાંથી જપ્ત થયા હોવાથી એસએમસીએ સોલામાં ફરિયાદ કરી હતી