રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 24 એપ્રિલ 2023 (14:57 IST)

Vadodara News - વડોદરામાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને ભણવામાં હોશિયાર હતી

suicide
વડોદરાની 15 વર્ષની વિદ્યાર્થિનીએ ગત મોડીરાત્રે પોતાના ઘરમાં જ ઓઢણીથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ અંગે વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી ભણવામાં હોશિયારી હતી, ક્યાં કારણોસર આવું પગલું ભર્યું તે અંગે મને ખબર નથી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી વિદ્યાર્થિનીના રહસ્યમય મોતની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના વડસર મધુ સાગર સોસાયટીમાં રહેતી ધો.10ની વિદ્યાર્થિની પ્રિયા જોશીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ હતી. આ વિદ્યાર્થિનીએ ગત માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.10ની પરીક્ષા આપી હતી. ગત મોડીરાત્રિ દરમિયાન પ્રિયાએ પોતાના બેડરૂમના પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હતો. સવારે પિતા મુકેશભાઇ જોશીએ દીકરીને પંખા ઉપર લટકેલી જોતા સ્તબ્ધ થઈ ગયા હતા અને રોકકળ શરૂ કરી હતી. મુકેશભાઇ જોશીનો રડવાનો અવાજ સાંભળી પરિવારના અન્ય લોકો તેમજ પાડોશી અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.દરમિયાન પંખા ઉપર લટકેલી પ્રિયાનો મૃતદેહ ઉતારી હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પ્રિયાના શરીરમાં કોઈ હલન-ચલન ન દેખાતા પિતા મુકેશભાઇ જોશીએ માંજલપુર પોલીસને જાણ કરી હતી. માંજલપુર પોલીસ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.પોલીસે મુકેશભાઇ જોશીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, પ્રિયાને સવારે પંખા ઉપર લટકતી જોઈ હતી. પ્રિયાએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. આગામી દિવસોમાં તેનું પરિણામ આવવાનું હતું. જો કે, પ્રિયા અભ્યાસમાં તેજસ્વી હતી. પરંતુ, તેણે ક્યાં કારણોસર આપઘાત કરી લીધો તેની મને ખબર નથી. પોલીસે પિતાના નિવેદનના આધારે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.ધોરણ 10નું પરિણામ આવે તે પહેલાં પ્રિયા જોશીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જો કે, પિતાના કહેવા મુજબ પ્રિયા અભ્યાસમાં હોશિયાર હતી. શા માટે તેણે આપઘાત કરી લીધો? તે સવાલે રહસ્યો સર્જ્યા છે. માંજલપુર પોલીસે વણ ઉકેલ્યા પ્રશ્નોના જવાબો શોધવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.