1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 3 સપ્ટેમ્બર 2022 (11:32 IST)

Surat : બળાત્કારના બે ગુનામાં આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા

rape demo
સુરત જિલ્લા ન્યાયાલય(Court ) દ્વારા બળાત્કારીઓ સામે આકરું વલણ દર્શાવીને તેમને સજા ફટકારવામાં આવી રહી છે. સુરત શહેરના ભેસ્તાનમાં સગીરા ઉપર બળાત્કાર ગુજારનાર કૌટુંબિક માસાને કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવા આધારે કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.
 
આ કેસની વિગત એવી છે કે, ભેસ્તાન ખાતે રહેતા 42 વર્ષીય બંસીલાલ ઉર્ફે બઉવા રામદાસ પાલ મૂળ યુ.પી.ના બાન્દા જિલ્લાનો વતની છે. બંસીલાલ પાલે ઉત્તરપ્રદેશ ખાતે રહેતી સંબંધી મહિલાને રોજગાર માટે સુરત બોલાવી હતી. જેથી મહિલા તેની 13 વર્ષીય દિકરી સાથે રોજીરોટી માટે સુરત આવી ગઇ હતી. બંસીલાલે પાંડેસરા ખાતે આવેલા તેના બીજા ઘરે મહિલાને રાખી હતી. જેથી મહિલા તેની સગીર દિકરી સાથે ત્યાં રહેતી હતી. દરમિયાન મહિલા તેની દિકરી સાથે ઘર નજીક આવેલી સાડીની ફેક્ટરીમાં કામ પર લાગી હતી. ગત.તા.12 જાન્યુઆરી, 2019ના રોજ મહિલાએ પોતાની દિકરીને કૌટુંબિક માસા બંસીલાલ પાલના મકાને તકીયા ભરવાના કામ માટે મુકીને પોતે સાડીની ફેક્ટરી ઉપર કામ માટે ગઇ હતી. તે સમયે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે બંસીલાલ ઉર્ફે બઉવાએ સગીરાને મકાનની સીડીમાં લઇ જઇ તેણીની સાથે શારીરીક અડપલા કર્યા હતા.ત્યારબાદ સગીરા ગભરાઇને રૂમમાં જતી રહી હતી. અને બંસીલાલ પાલનો સગો ભત્રીજો સત્યમ રાજુ પાલ સગીરા જે રૂમમાં હતી ત્યાં ધસી ગયો હતો અને રૂમનું શટર અંદરથી બંધ કરી સગીરા સાથે બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બંસીલાલ અને ભત્રીજા સત્યમ પાલે આ અંગે કોઇને કહેશે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી સગીરાને આપી હતી. દરમિયાન માતા નોકરીએથી પરત આવતા તેણી સાથે થયેલી ઘટના અંગે માતાને જણાવતા તે પણ સ્તબ્ધ થઇ ગઇ હતી. માતાએ આ અંગેની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં આપતા પોલીસે બંસલીલા પાલ અને ભત્રીજા સત્યમ પાલ વિરૂધ્ધ બળાત્કાર અને છેડતી સહિતનો ગુનો નોંધી બંને ધરપકડ કરી હતી.
 
આ કેસની અંતિમ સુનાવણી આજે કોર્ટમાં ચાલી હતી. સરકાર તરફે એડવોકેટ જે.એન.પારડીવાલાએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લઇ આ ગુનામાં કાકા-ભત્રીજાને કોર્ટે તકસીરવાર ઠેરવ્યા હતા. કોર્ટે બંસીલાલ પાલને પોક્સો સહિતના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. જ્યારે ભત્રીજા સત્યમ પાલને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત ભોગ બનનારને રૂ.4 લાખ વળતર ચૂકવવા પણ કોર્ટે હુકમ કર્યો હતો