શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 3 સપ્ટેમ્બર 2022 (09:38 IST)

માથાભારે શખ્સોએ એક સગાઈ તોડાવી બીજા ફિયાન્સને ધમકી આપી, પિતાએ કહ્યું ન્યાય નહીં મળે તો આપઘાત કરીશું

crime news
ઉનાના નવાબંદર ગામે રહેતી યુવતી સાથે માથાભારે શખસ છેલ્લા એક વર્ષથી સતત છેડતી અને પજવણી કરતો હોવાની ઘટના સામે આવી છે. આ માથાભારે શખસે યુવતીની એક સગાઇ તોડાવી નાંખી. યુવતીની બીજી સગાઈ થઈ તો તેના ફિયાન્સને પણ હેરાન કરે છે. માથાભારે તત્વોની રંજાડથી નવાબંદરનો આ પરિવાર પરેશાન છે. આ શખસો યુવતીના મંગેતરને વારંવાર ધમકી આપે છે કે જો તે સગાઈ નહીં તોડે તો યુવતીના ફોટા વાયરલ કરશે અને સાથે ખોટા મેસેજ પણ લખશે. આ શખસો યુવતી સાથે બિભત્સ વર્તન કર્યા કરતા હતા. કંટાળી ગયેલા પરિવારે પોલીસનું શરણું લીધું પણ મરીન પોલીસે કોઈ પગલાં લીધા નહીં. પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ સાથે ગામના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

ગામના સરપંચ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગામના લોકો નવાબંદર મરીન પોલીસ સ્ટેશને ધસી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરીને યુવતીને ન્યાય આપવાની માંગણી કરી હતી. પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતાં પોલીસે આખરે પજવણી કરનાર શખસો વિરૂધ્ધ છેડતી અને ધાકધમકીની ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, નવાબંદર ગામના માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારની યુવતીને ગામમાં રહેતા નયન દાના બાંભણીયા તેમજ નાંદણ ગામે રહેતો નરેશ વિરા ચૌહાણ નામના શખસો યુવતીને પરેશાન કર્યા કરતા હતા. તે જ્યારે કામ માટે ઘરની બહાર જતી હોય ત્યારે અવાર નવાર તેનો પીછો કરી સીટી મારી બિભત્સ શબ્દો બોલીને છેડતી કરતા હતા. યુવતીની જ્યારે સગાઈ થઈ તો તેના મંગેતરને પણ મોબાઇલ પર ફોટા તેમજ ખોટા મેસેજ કરીને સગાઇ તોડી નાખવાનું કહેતા અને મારી નાંખવાની ધમકી આપતા. આ ભયના કારણે યુવકે સગાઈ તોડી નાંખી હતી. આ અંગે યુવતીના પિતાએ એકાદ વર્ષ પહેલાં જુનાગઢ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જેમાં આરોપી નયન દાના બાંભણીયાની ધરપકડ પણ થઈ હતી.યુવતીના આક્ષેપ બાદ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, આ ઘટના સાથે મારે કોઇ લેવા દેવા નથી અને આરોપી મારા કોઇ સગાં-સંબંધી થતા નથી. મને રાજકીય રીતે આ ઘટના સાથે સાંકળીને બદનામ કરવા વિરોધીઓ કાવતરૂં રચી રહ્યા છે.યુવતીએ ચોધાર આંસુએ રડતાં રડતાં જણાવ્યું કે, આ બે માથાભારે શખસો વારંવાર પજવણી કરી સગાઇ તોડાવી નાખે છે. આ શખસોના કારણે મારે મારો અભ્યાસ છોડવા મજબૂર બનવુ પડ્યું હતું. આ શખસો ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ પ્રમુખના ભાણેજ થાય છે અને તેઓની રાજકીયવગ હોવાથી અમને ન્યાય મળતો નથી.