શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (15:05 IST)

સુરતમાં આતંક મચાવનાર Lady Don, 'ભૂરી'ની આખરે થઇ ધરપકડ

સુરતના વરાછા વિસ્તારમાં લેડી ડોન અસ્મિતા ભૂરીએ ખુલ્લા હથિયારો સાથે રસ્તા પર ઊતરી જઈ આતંક મચાવ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ધૂળેટીના બીજા દિવસે વરાછાના ભગીરથ નગર વિસ્તારમાં હાહાકાર મચાવનારી ભૂરી અને તેના સાગરીત પકડી પાડવા પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. સતીષ શર્માની સૂચના બાદ વરાછા પોલીસે વાયરલ વીડિયોની તપાસ હાથ ધરી હતી. SOGએ લેડી ડોન અસ્મિતા ભૂરી અને તેના મિત્રને ઝડપી પાડી તેમની વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાપોદ્રા લંબેહનુમાન રોડ રચના સર્કલ રામકૃપા સોસાયટીમાં રહેતા રત્નકલાકાર સંજય ઉર્ફે સન્ની કનુભાઈ થળેસા (કોળી)ને શોધી કાઢી પોલીસ ફરિયાદ લીધી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.૨/૩/૨૦૧૮ના રોજ ૪:૩૦ કલાકે લંબેહનુમાન રોડ ભગીરથ સોસાયટી જાહેર રોડ પર આરોપી સંજય ઉર્ફે ભૂરો હિંમત વાઘેલા, અસ્મિતા ઉર્ફે ભૂરી રહે.માનસી સોસાયટી, કડોદરાએ ફરિયાદી સંજયના મિત્ર જીતેન્દ્ર ઉર્ફે કાલિયા સાથે ઝઘડો કરી હાથમાં રેમ્બો છરો, તિક્ષ્ણ હથિયાર હવામાં વિંઝતા હતા ત્યારે મિત્ર ગોપાલ વચ્ચે પડતાં સંજય ભૂરાએ ગોપાલને રેમ્બો છરાનો ઘા ઝીંકી દીધો હતો.  ફરિયાદી સંજય ઉર્ફે સન્ની કનુભાઈ થળેસા (ઉ.વ.28) વચ્ચે પડતા આરોપી અસ્મિતા ભૂરીએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.

વરાછા પોલીસે લેડી ડોન અસ્મિતા ભૂરી અને મિત્ર સંજય ભૂરા વિરૂદ્ધ ઈપીકો કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.  વરાછા પોલીસે નોંધેલી ફરિયાદમાં ભૂરી ડોન અને તેના બોયફ્રેન્ડ સંજયનું એડ્રેસ માનસી સોસાયટી વિજય હોટલ પાસે કડોદરા સુરત નોંધ્યું છે. જ્યાં પોલીસે તપાસ કરી હોવા છતાં ત્યાંથી બન્ને અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને આદેશ કર્યો હોવાથી વહેલી તકે ભૂરી અને ભૂરો પોલીસના સકંજામાં આવી જશે તેવી શક્યતા પ્રબળ બની છે.