ગેરકાયદેસર બીટકોઈનનો પ્રથમ ગુનો સુરતમાં નોંધાયો
બીટકોઈનનો વેપાર ગેરકાયદે હોવા છતાં સુરતના સરથાણા પોલીસ મથકમાં આ અંગે છેતેરપિંડીનો ગુનો નોંધાયો છે. બીટકોઈનના મામલે ગુજરાતમાં પ્રથમ ગુનો સરથાણા પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં સાઇબર ક્રાઈમમાં માસ્ટર ગણાતા કોઈ ભેજાબાજે રૂ. 11.80 લાખના બીટકોઈન ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હોવાનું જણાવ્યું છે. ઇમેઇલ આઈડી હેક કરી 0.999 બીટકોઈન ટ્રાન્સફર કરનારાને શોધવાનું કામ પોલીસ માટે અશક્ય નહીં તો અઘરું તો ખરું જ. એમ્બ્રોઇડરીનો વ્યવસાય કરતા ઉમેશભાઈ અનુપચંદ જૈનએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનું બીટકોઈનનું એકાઉન્ટ જીમેલ સાથે કનેક્ટ હતું.
જેનો ઇમેલ આઈડી હેક કરી 19-12-2017ના રોજ કોઈ બેજાબાજે વેપારીના એકાઉન્ટમાંથી રૂ. 11.80 લાખના 0.999 બીટકોઈન બારોબાર ટ્રાન્સફર કરી લીધા હતા. સામાન્ય સંજોગોમાં આ રીતે બીટકોઈનની ઓનલાઇન છેતરપિંડી કરવાનું કામ કપરું છે. તેવા સંજોગોમાં સાઇબર ક્રાઈમમાં પણ જેની સૌથી વધુ માસ્ટરી છે તેવા ભેજાબાજનું આ કારસ્તાન હોવાથી પોલીસ માટે તેના સુધી પહોંચવાનું કામ ખૂબ જ કપરું બની રહેશે એ નક્કી છે. વધુ તપાસ સરથાણાના પોઈ એન.ડી. ચૌધરી કરી રહ્યા છે.