મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 માર્ચ 2018 (12:16 IST)

કચ્છની ખારેકમાંથી હવે વાઈન બનશે, ૯૦,૦૦૦ લિટર વાઈન તૈયાર, ખેડૂતોએ આબુ રોડ પર વાઈનરી સ્થાપી

કચ્છમાં ઉગતી ખારેકમાંથી બનેલો ૯૦,૦૦૦ લિટર ડેટ વાઈન થોડા સમયમાં બજારમાં જોવા મળશે. ખારેકના પોષણક્ષણ ભાવ મેળવવા કચ્છના ખેડૂતો હવે ખારેકમાંથી વાઈન બનાવવાના પ્રયોગો હાથ ધરી રહ્યા છે. જેમાં સફળ થયેલા કેટલાંક ખેડૂતોએ રાજસ્થાન સરહદે વાઈનરી સ્થાપી છે. કચ્છના ખેતરોમાં ઉગેલી ખારેક વાઈન સ્વરૃપે હવે ભારતના બજારોમાં જોવા મળશે. કચ્છના ખેડૂતોએ હાથ ધરેલા પ્રયોગની સફળતાના પરિણામે હવે અહીંની ખારેકનો ઉપયોગ વાઈન બનાવવા માટે થશે.

ડેટ વાઈનનું ઉત્પાદન કરતી આ પ્રકારની વાઈનરી બનાવવા માટે કચ્છના ખેડૂતો આગળ આવ્યા છે પરંતુ ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી વાઈનરી ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા આબુરોડ અથવા સિરોહી નજીકના વિસ્તારોમાં સ્થપાઈ છે. જેથી માલની હેરફેર સરળ રહે. હાલ આબુ રોડ આસપાસના વિસ્તારોમાં કચ્છના ખેડૂતોની બે વાઇનરી છે. આ વાઈનરીઓએ રાજસ્થાન સરકાર સાથે એમઓયુ કર્યા છે અને તેમાંથી એક વાઈનરીમાં હાલ ૯૦,૦૦૦ લિટર વાઈન તૈયાર થઈ રહ્યો છે અને બીજી વાઈનરી હાલ તેના પ્લાન્ટની કામગીરી કરી રહી છે. ખારેકના પલ્પને મોટા કન્ટેનરમાં ભરી તેમાં આથો આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આ આથો બે મહિના જેટલા સમય સુધી ગળી જાય તેટલી રાહ જોવામાં આવે છે. બાદમાં તેમાં કેટલીક પ્રક્રિયા કર્યા બાદ વધતા રસને વાઈન તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધી ભારતમાં દ્રાક્ષમાંથી બનતો વાઈન પ્રચલિત હતો, હવે ખારેકમાંથી બનતો વાઈન પ્રથમ વખત બજારમાં આવી રહ્યો છે. કચ્છમાં આ વર્ષે લગભગ ૨૦ હજાર હેક્ટરમાં ખારેકનું ઉત્પાદન થયું છે. દર વર્ષે અહીં લગભગ બે લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે. બરહી ડેટ કહેવાતી આ ખારેકનું મૂળ અખાતી દેશોમાં છે. આ ખારેકની મોસમ ટૂંકાગાળાની હોવાથી ઓછા સમયગાળઆ માટે ખેડૂતો પાસે ખારેકનો પુષ્કળ પાક પડી રહેતો હોય છે. જેના કારણે ઘણીવાર ખારેકના પોષણક્ષમ ભાવ નથી મળી શકતા. કચ્છના કેટલાંક ખેડૂતો છેલ્લાં કેટલાંક સમયથી ખારેકમાંથી વાઈન બનાવવાનો પ્રયોગ હાથ ધરી રહ્યા હતા. ખારેકમાં શર્કરા વધુ હોવાથી તેમાંથી સારી ગુણવત્તાનો વાઈન બની શકે છે. આ વાઈનરી સ્થપાયા બાદ કચ્છના બીજા ખેડૂતો પણ વાઈનરીની શરૃઆત મુદ્દે વિચારાધીન છે.