સુરતમાં ભાજપના મહિલા ઉમેદવારના પતિ કોંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો
રાજકારણમાં એક કહેવત છે કે, કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બરાબર જામેલા માહોલમાં જોવા મળી રહ્યો છે. શેરી મહોલ્લાને લઈને ચાલતી ચૂંટણીનું રાજકારણ ઉમેદવારોના ઘર સુધી પહોંચી ગયું હોય તેવુ સામે આવી રહ્યું છે. વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવાર મનીષા આહિરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલું જ નહિં પરંતુ કોંગ્રેસ વતિ પ્રચાર પણ કરી રહ્યાં છે. જેથી મહાનગરપાલિકાની ચૂંટણી ચરમસીમા ઉપર પહોંચી ગઈ હોય તેવું સામે આવી રહ્યું છે. એક જ ઘરના પતિ પત્ની હાલ અલગ અલગ પક્ષ તરફ છે ત્યારે ઉમેદવાર મનીષા આહિરે કહ્યું કે, લોકશાહીમાં દરેક અધિકાર છે પોતાની વાત મૂકવાનો. જ્યારે મહેશ આહિરે કહ્યું કે, હું સત્યની સાથે છું અધર્મીની સાથે નથી.ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 15 માં મહિલા ઉમેદવાર તરીકે મનિષા આહિર કરંજ મગોબ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. ઉમેદવારીપત્ર ભર્યા બાદ મનિષા આહિર દ્વારા તેમના મત વિસ્તારમાં જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. મનિષા આહિર તમામ મતદારોને ભારતીય જનતા પાર્ટીને જ મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ તેના જ પતિ કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસ તરફથી કરવામાં સક્રિય થયા છે. જેને લઇને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે.