સુરતની જાણીતી હોટલના વોટર પોંડમાં દોઢ વર્ષના બાળકનુ પડી જવાથી મોત
આજકાલ દરેક નાની મોટી વાતે હોટલમાં જઈને ઉજવણી કરવાનુ કલ્ચર ડેવલોપ થઈ ગયુ છે. આ વાત ખોટી નથી પણ આવી દરેક જગ્યાએ જતા માતા પિતા કે વડીલોએ સાથે જો બાળક હોય તો ખાસ ધ્યાન રાખવુ પણ જરૂરી છે. વાલીઓની આંખ ખોલતો આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જ્યા યુફોરિયા નામની હોટલમાં જમવા ગયેલા એક પરિવારના દોઢ વર્ષના બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર બાળકોની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિજયભાઈ સાવલિયા તેમના પત્ની અને દોઢ વર્ષના પુત્ર ક્રિસીવ સાથે શહેરની યુફોરિયા હોટલમાં જમવા માટે ગયા હતા. આ હોટલ તેના આકર્ષક વોટર ફીચર્સને કારણે 'પાણીવાળી હોટલ' તરીકે પણ ઓળખાય છે. આ દરમિયાન ક્રિસીવ રમતા રમતા બેન્કવેટ હોલની બહાર તેમનાથી થોડો દૂર જતો રહ્યો હતો. અજાણતાં જ બાળક હોટલ પરિસરમાં આવેલી પાણીની કુંડીમાં પડી ગયો હતો.
માતાપિતાનુ ધ્યાન પણ 15 મિનિટ પછી ગયુ કે બાળક દેખાતુ નથી. બાળકની શોધખોળ કરતા તે પાણીની કુંડીમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તાત્કાલિક તેને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
મોંઘી અને મોટી હોટલોનો ક્રેઝ રાખવો સારો છે તમારા પૈસા છે તમે ગમે તેમ રીતે વાપરી શકો.. પરંતુ સાથે જ કોઈપણ સ્થળે બાળકો સાથે જતા હોય તો તેના વિશે દરેક માહિતી હોવી જોઈએ. તમારુ બાળક નાનુ હોય કે મોટુ તમારી ધ્યાન બહાર આસપાસ ક્યાક નીકળી જાય તો તેની સલામતી છે કે નહી. આ ઘટના હોટલ મેનેજમેન્ટની બેદરકારી અને માતા-પિતાની થોડી પળોની ગેરહાજરીનું પરિણામ છે. આ દુર્ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે બાળકોની સુરક્ષા માટે માત્ર ઘર જ નહીં, પરંતુ જાહેર સ્થળોએ પણ અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે.