અલાયદા વોર્ડ શરૂ કરવા સાથે નવી સિવિલમાં મ્યુકરમાઈકોસિસના ત્રણ દર્દીઓની સર્જરી: કુલ ૨૫ દર્દીઓ સારવાર હેઠળ
કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા બાદ હવે મ્યુકર માઈકોસિસ નામની નવી ગંભીર બિમારીમાં સપડાઈ રહ્યાં છે. સુરતમાં વધી રહેલા મ્યુકર માઈકોસિસનાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ તંત્ર દ્વારા સિવિલમાં જૂની બિલ્ડીંગ, ઈ.એન.ટી.વિભાગ ખાતે જે-૩ વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
નવી સિવિલમાં મ્યુકર માઈકોસિસના કુલ ૨૫ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જે પૈકી આજરોજ ત્રણ દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. ઈ.એન.ટી. હેડ અને પ્રો.ડો.જૈમિન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ વોર્ડમાં આસિ. પ્રોફેસર ડો.રાહુલ પટેલ, આસિ. પ્રો.ડો. આનંદ ચૌધરી સહિતની ટીમે ફરજ નિભાવી છે.
ઈ.એન.ટી. હેડ અને પ્રો.ડો.જૈમિન કોન્ટ્રાક્ટર જણાવે છે કે, જે દર્દીઓને આ રોગની અસર થઈ છે, તેમને ત્વરિત સારવારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એનેસ્થેસિયા આપી દૂરબિન વડે ઓપરેશન કરવામાં આવે છે. આ રોગના ત્રણ દર્દીઓની સર્જરી બાદ તેમની હાલત સ્થિર છે.
જેમને આંખના ડોળા આસપાસ દુઃખાવો હોય, નાકમાંથી પાણી નીકળતું હોય તેમણે સાવધાની સાથે હળવા હાથે સાફ કરવું. તેમજ ચામડી પર કોઈ ઘા લાગેલો હોય તો તેની યોગ્ય સારવાર કરવી કેમ કે તેના દ્વારા પણ આ રોગ પ્રસરી શકે છે. ડાયાબિટીક અને સ્ટીરોઈડ લીધેલા દર્દીઓમાં વધુ ઝડપે ઈન્ફેકશન કરે છે, એટલે સુગર લેવલ સામાન્ય રાખવા તેમજ સ્ટીરોઈડ લેવામાં પણ ધ્યાન રાખવુ જરૂરી બનતું હોય છે.
મ્યુકર માઈકોસિસ શું છે?
મ્યુકર માઈકોસિસ રોગને બ્લેક ફંગસ તરીકે પણ ઓળખાય છે. કેમ કે, તે ફંગસ એટલે કે ફૂગથી ફેલાય છે. કોરોના દર્દીને આ રોગ આંખ, નાક, ચામડી અને ફેફસાને ક્ષતિ પહોંચાડે છે. ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને કોવિડ૧૯ થયા પછી ઝડપથી ચેપ પહોંચાડતું હોવાનું તારણ આવ્યુ છે. ડાયાબિટીસ, કોરોના અને સ્ટીરોઈડનું કોમ્બિનેશન મ્યુકરમાઈકોસિસનું જોખમ વધારી દે છે. મ્યુકરમાઈકોસિસથી બચવા કોરોના થયા બાદ વ્યક્તિને જો માથું, આંખ, જડબા અને ગળામાં દુ:ખાવો જેવા લક્ષણો જણાય તો તરત જ તબીબી તપાસ કરાવવી જોઈએ.
મ્યુકરમાઈકોસિસની ફૂગ સડો પામતા શાકભાજી અને કચરામાં જોવા મળે છે. સામાન્ય રીતે તે આપણી આસપાસના વાતાવરણમાં બધે જ વ્યાપ્ત છે. આપણે રોજ આ ફૂગના વિષાણુને શ્વાસમાં લઈએ છીએ, પરંતુ પૂરતી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા સામાન્ય માનવીને તેનાથી નુકસાન થતું નથી.