બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 સપ્ટેમ્બર 2023 (16:40 IST)

ગુજરાતમાં ગ્રાન્ડેટ કોલેજના અધ્યાપકોએ કાળી પટ્ટી બાંધીને કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કર્યો

આ એક્ટ લાગુ થવાથી ગ્રાન્ટેડ કોલેજ અને સરકારી યુનિવર્સિટીની સ્વતંત્રતા છીનવાઈ જશેઃ અધ્યાપકોની રજૂઆત
 
અમદાવાદઃ ગુજરાતમાં સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ બિલ વિધાનસભામાં પસાર કરવાની તૈયારી કરી લેવાઈ છે. ત્યારે આ બીલનો વિદ્યાર્થી સંગઠનો અને અધ્યાપકો વિરોધ કરી રહ્યાં છે. આજે સમગ્ર રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ હાથી કાળી પટ્ટી બાંધીને શૈક્ષણિક કાર્ય કર્યું હતું. આ પહેલાં તેમણે ધરણાં કર્યાં હતાં અને કુલપતિને રજૂઆત પણ કરી હતી. 
 
અધ્યાપકોએ આ બિલને લઈને બેઠક કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અઘ્યાપક મંડળ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કોમન યુનિવર્સિટી બિલ 2023નો વિરોધ કર્યો હતો. આ બિલને લઈને અધ્યાપકોનું કહેવું છે કે, આ એક્ટ માત્ર સરકારી યુનિવર્સિટી માટે જ છે જે ખાનગી યુનિવર્સિટી માટે નથી. જેથી સરકાર હવે યુનિવર્સિટીમાં સીધો હસ્તક્ષેપ અને નિયંત્રણ કરી શકશે.અગાઉ અધ્યાપકોએ આ બિલને લઈને બેઠક કરી હતી. સરકારને આ મુદ્દે રજૂઆત પણ કરી હતી. પરંતુ સરકાર તરફથી કોઈ પહલાં નહીં લેવાતા અધ્યાપકોએ ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવ્યો છે. 
 
ગ્રાન્ટેડ કોલેજ અને સરકારી યુનિવર્સિટીની સ્વતંત્રતા છીનવાશે
આજે સમગ્ર રાજ્યમાં અધ્યાપકોએ કોલેજોમાં કાળી પટ્ટી બાંધી સુત્રોચ્ચાર કરીને એક્ટનો વિરોધ કર્યો હતો. અધ્યાપકોએ મીડિયાને જણાવ્યું હતું કે, આ એક્ટ લાગુ થવાથી ગ્રાન્ટેડ કોલેજ અને સરકારી યુનિવર્સિટીની સ્વતંત્રતા છીનવાઈ જશે. ખાનગી યુનિવર્સિટીના એક્ટ લાગુ નહીં પડે જેથી ખાનગી યુનિવર્સિટીને ફાયદો થશે. વિદ્યાર્થીઓએ સસ્તી ફી છોડીને મોંઘીદાટ ફી ભરીને ખાનગી યુનિવર્સિટીમાં ભણવા મજબૂર થવું પડશે. જેની સામે અમે વિરોધ કરી રહ્યા છીએ.