પાટણના સરસ્વતીમાં ફટાકડાના સ્ટોલમાં ભયંકર આગ ભભૂકી, શાકભાજીની લારીઓ અને દુકાનોને નુકસાન
પાટણના સરસ્વતીના સરીયદમાં આજે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. ગામમાં આવેલા ફટાકડાના સ્ટોલમાં આગ લાગી હતી, જેના કારણે અફરાતફરી મચી હતી. ફટાકડાના સ્ટોલોમાં આગ લાગતાં લાખોના ફટાકડા ફૂટી ગયા હતા તેમજ બે બાઈક પણ આગની ચપેટમાં આવી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સરસ્વતીના સરીયદમાં આજે બે ફટાકડાના સ્ટોલમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેથી અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. ભયંકર આગ લાગતાં સ્ટોલની બાજુમાં રહેલી બે બાઈક પણ આગની ચપેટમાં આવી ગઈ હતી તેમજ બે સ્ટોલમાં રહેલો તમામ મુદ્દામાલ આગમાં શ્વાહા થઈ ગયો હતો, જેથી લાખોનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.
આકસ્મિક કારણસર ફટાકડાના સ્ટોલમાં આગ ભભૂકી ઊઠી હતી, જેથી એક બાદ એક ફટાકડા ધાણીની જેમ ફૂટવા લાગ્યા હતા. દિવાળીના તહેવારમાં ફટાકડાનું વેચાંણ થાય એ પહેલા જ ફટાકડા ફૂટી ગયા હતા.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેથી નજીકમાં રહેલી એક CNG રિક્ષા અને ગાડી પણ આગની ચપેટમાં આવતાં બચી ગઈ હતી. સ્થાનિકોએ પાણીનો છટકાવ શરૂ કર્યો હતો, જેને પગલે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી, જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ફટાકડાના સ્ટોલધારકોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.