સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (11:50 IST)

33 કિમી તાપી નદીને 3904 કરોડના ખર્ચે નવો નિખાર મળશે, રોડની બંને સાઇડ પાર્ક-વોક વેની સુવિધાઓ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં સિટી બ્યૂટીફિકેશન સહિતના નવતર આયામો આ તાપી રિવરફ્રન્ટ એન્ડ રિજુવેનેશન પ્રોજેક્ટ અન્વયે સાકાર થવાના છે.
 
ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂ. ૧૦ કરોડની ઓથોરાઇઝડ્ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ SPV શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આ SPV ના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ ચેરમેન તરીકે સુરતના મ્યૂનિસિપલ કમિશનરને રાખવાનો નિર્ણય પણ કર્યો છે.
 
એટલું જ નહિ, આ SPV માં નિયુક્ત કરવાના થતા ૯ શેર હોલ્ડર્સમાંથી ત્રણ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા નામાંક્તિ કરી નિયુક્ત કરવાની પણ અનુમતિ આપી છે.  આ SPV માં સુડા ના પ્રતિનિધિ ડિરેકટર તરીકે સુડાના સી.ઇ.ઓ ને રાખવામાં આવશે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ SPV માટેની કુલ રૂ. ૧૦ કરોડની પેઇડ અપ કેપિટલમાં રૂ. પ કરોડ રાજ્ય સરકારના અને રૂ. પ કરોડ સુરત મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવે તેમજ આ હેતુ માટે આગામી વર્ષના બજેટમાં રૂ. પ કરોડની જોગવાઇ કરવામાં આવે તેવા દિશાનિર્દેશો પણ આપ્યા છે.
 
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના રૂ. ૧૯૯૧ કરોડના ફેઇઝ-૧ ના કામો માટે વર્લ્ડ બેન્ક પાસેથી પ્રોજેક્ટ કોસ્ટના ૭૦ ટકા પ્રમાણે લોન મેળવવાની દરખાસ્તને ભારત સરકારે મંજૂરી આપેલી છે.