રવિવાર, 28 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રાજકોટઃ , મંગળવાર, 28 નવેમ્બર 2023 (18:13 IST)

ગુજરાતમાં માવઠાથી પાકને થયેલા નુકસાનનો સરવે થયા બાદ સહાય ચૂકવાશે

unseasonal rainfall
ગુજરાતમાં બે દિવસ પહેલા થયેલા માવઠાને કારણે શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકારે પાક નુકસાની માટેની સહાય ચૂકવવા માટે સરવે હાથ ધરવાની તૈયારી કરી છે. આ સરવે પૂર્ણ થયા બાદ ખેડૂતોને તેમના પાકની નુકસાનીની સહાય મળશે.

ગાંધીનગરમાં કૃષિમંત્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક યોજાશે અને સરવે અંગેની સૂચનાઓ આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં બે દિવસમાં થયેલા માવઠાને લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. આ નુકસાનની સહાય ચૂકવવા માટે સરવે કરવામાં આવશે.

આજે ગાંધીનગરમાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. જેમાં અધિકારીઓને સાથે રાખીને સરવે કરાવવા અંગેની સૂચના અપાશે અને સરવે પૂર્ણ થયા પછી નિયમ પ્રમાણે સહાયની જાહેરાત કરાશે. રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં કુલ 86 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયેલ હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલની સ્થિતિએ કપાસ, એરંડા અને તુવેર જેવા પાકો સિવાય તમામ મુખ્ય ખરીફ પાકોની કાપણી પૂર્ણ થઈ ગયેલ છે. ખરીફ વાવેતર વિસ્તાર પૈકી મુખ્યત્વે કપાસ, તુવેર અને એરંડા જેવા પાકો હાલ ખેતરમાં ઊભા છે. જેમાં, કપાસ પાક સમગ્ર રાજયમાં કુલ વાવેતર પૈકી અંદાજિત 10 થી 15 લાખ હેક્ટર વિસ્તારમાં ઊભા પાક તરીકે ખેતરોમાં હોવાનો પ્રાથમિક અંદાજ છે. જેમાં ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી મહત્વની એવી પ્રથમ 2થી વધુ વીણીઓ પૂર્ણ થયેલ છે. તથા હાલ ફક્ત છેલ્લી વીણી બાકી હોવાની શક્યતા છે જેથી નોંધપાત્ર નુકસાનની શક્યતા ઓછી છે.

રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરેલ માહિતી મુજબ અત્યાર સુધી છેલ્લા 9 વર્ષમાં સરકાર દ્વારા નુકસાની અંગે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા 10,700 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. નિયમ મુજબ નુકસાનીમાં હેક્ટર દીઠ 6800 રૂપિયા સહાય આપવામાં આવે છે. જેમાં 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકાર રકમ ચૂકવે છે અને વધુ સહાય માટે સત્તા રાજ્ય સરકાર પાસે છે જેને ટોપઅપ કહેવામાં આવે છે.