રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 14 નવેમ્બર 2021 (16:11 IST)

લીલી પરિક્રમાના પ્રવેશ ગેટ પાસે ભાવિકોનો જમાવડો, ગેટ બંધ હોવાથી શ્રદ્ધાળુઓ રોષે ભરાયા

દર વર્ષે કારતક સુદ અગિયારસથી વિધિવત રીતે ગીરનારની લીલી પરિક્રમા શરૂ થતી હોય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પરિક્રમામાં જતા હોય છે. કેટલાક લોકો ભીડ અને ગંદકીથી બચવા વહેલા આવી પરિક્રમા કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ અનેક ભાવિકોએ લીલી પરિક્રમા કરવા, પરિક્રમાના પ્રવેશ ગેટ પાસે જમાવડો કર્યો છે. જોકે ગેટ બંધ  હોવાથી ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ભાવિકોએ કહ્યું હતું કે પરિક્રમામાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિંબધ છે એનાથી તેઓ અજાણ છે.એક ભાવિકે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં હું સપડાયો હતો અને ઓક્સિજન પર હતો. જોકે મને ગિરનારી મહારાજ પર સંપૂર્ણ ભરોસો હતો, જેથી મેં માનતા માની હતી કે જો કોરોનામાંથી બચી જઇશ તો લીલી પરિક્રમા કરી માનતા પૂરી કરીશ. હવે પ્રવેશવા ન દે તો માનતા કેમ પૂરી કરવી? આ તો ભાવિકોની શ્રદ્ધા સાથે ખિલવાડ છે.

સરકારી કે રાજકીય કાર્યક્રમોમાં લોકોની ભીડ થાય તો ત્યાં કોરોના થતો નથી અને ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના થઇ જાય તે તો ગજબ કહેવાય! અનેક ભાવિકોએ જણાવ્યું હતું કે, અમે તો વેક્સિનેશનના ડબલ ડોઝ પણ લઇ લીધા છે. એક શ્રદ્ધાળુ મહિલાએ જણાવ્યું હતું કે અમને ખબર નથી કે પરિક્રમામાં ભાવિકોને જવાની મનાઇ છે. હું તો છેક ભાવનગરથી ચાલીને આવી છું. કોરોનાની માનતા પૂરી કરવા આવી છું. અગાઉ 4 પરિક્રમા કરી હતી. આ વખતે 5મી પરિક્રમા કરવાની હતી. જોકે, અહીં ગેટ બંધ હોવાથી બેઠા છીએ. અમે 4 થી 5 દિવસના ધંધા, રોજગાર, મજૂરી જતી કરીને પરિક્રમા કરવા આવ્યા છે. હાલ ક્યાં કોરોના છે? છત્તાં ખોટી રીતે હેરાન પરેશાન કરાય છે.ગિરનારની લીલી પરિક્રમાને લઇ જિલ્લા કલેકટરે આખરી ફેસલો આપી દીધો છે.

લીલી પરિક્રમા શરૂ થાય તેના 3 દિવસ પહેલા જ કલેકટરે નિર્ણય જાહેર કર્યો છે. માત્ર 400 સાધુ,સંતોને જ પરિક્રમાની પરમિશન મળશે. આ નિણર્યથી લોકો ફરી અવઢવમાં આવી ગયા છે, કારણ કે આ 400 માં કોણ? તેવો સવાલ હજુ પણ ઉઠી રહ્યો છે . બીજી તરફ આ નિર્ણયથી લોકોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ પ્રતિ વર્ષ કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર ફરતેની 36 કિમીની લીલી પરિક્રમા યોજાતી હોય છે.