ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 એપ્રિલ 2021 (16:52 IST)

કડીમાં 15 દિવસ અગાઉ કેનાલમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, 7 કિન્નરોની ધરપકડ

15 દિવસ અગાઉ કડીના રંગપુરડા નજીક નર્મદા કેનાલમાંથી સ્ત્રી વેશમાં મળેલી અજાણી લાશની હત્યાનો ભેદ હવે ઉકેલાયો છે. સ્ત્રીવેશમાં મળેલી લાશ દહેગામ તાલુકાના નાંદોલ ગામના ભાવેશ ઉર્ફે ભાવિકા ઠાકોર નામના કિન્નરની હોવાનો ભેદ ઉકેલાયો હતો. અને કિન્નર બની કિન્નર મંડળમાં ફરતા ભાવિકા નામના કિન્નરની હત્યા ભિક્ષાવૃત્તિની તકરારમાં જ તેમના સાથી કિન્નરોએ કરી હોવાનો ભેદ ઉકેલાયો છે.

અર્ધનારેશ્વર તરીકે ઓળખાતા કિન્નરો જીવન ઘણું જ કઠીન માનવામાં આવે છે. અને સંસારિક જીવનમાં કિન્નરનું જીવન ઘણું દયનીય માનવામાં આવે છે. આથી કુદરતની દેન એવું કિન્નર જીવન એકલા વ્યતીત કરવું કઠીન હોવાથી જ કિન્નરો એક સમુદાયમાં સંગઠિત બની રહેતા હોય છે. અને ભિક્ષાવૃત્તિ કરી જીવન વ્યતીત કરે છે. આ સ્થિતિમાં વડોદરા જીલ્લાના જરોદ ગામ ખાતે રહેતા કિન્નર સમુદાયમાં ગુરુમાતા વૈભાલી માસી સાથે કિન્નર ભાવિકાને ઝગડો થતો હતો. આથી કિન્નર ભાવેશ ઉર્ફે ભાવિકાએ ગુરુ માતાનો સાથ છોડી કિન્નરોના અન્ય અખાડામાં જતા રહ્યા હતા. ગુરુમાતાનો અખાડો છોડ્યા બાદ ભિક્ષાવૃત્તિ કરવામાં કિન્નરોના બંને જૂથ વચ્ચે ભિક્ષાવૃત્તિ મામલે તકરાર થતી હતી. આથી કિન્નર ભાવિકાના ગુરુમાતા એવા વૈભાલી માસીએ તરકટ રચી સાથી કિન્નરોને બોલાવી તેના માથાના વાળ અને આઈબ્રોના વાળ કાપી કિન્નર ભાવિકાને ઢોર માર માર્યો હતો. આથી કિન્નર ભાવિકા મોતને ભેટતા મોતને ઘાટ ઉતારનાર કુલ ૯ જેટલા કિન્નરોએ વડોદરાથી ૭૧ કિલોમીટર દુર ભાવિકાની લાશ નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. જે આખરે કેનાલમાં તરતી-તરતી કડી તાલુકાના રંગપુરડા ગામ નજીક નર્મદા કેનાલમાં આવી હતી. જોકે સ્ત્રી વેશ માં મળેલી અજાણી લાશ મામલે પોલીસને હત્યાની ની શંકા હતી. જે પોસ્ટ મોર્ટમ રીપોર્ટ અને સાયન્ટીફીક પુરાવા આધારે કિન્નર ભાવિકની હત્યા થઇ હોવાનો ભેદ ઉકેલ્યો છે. કડીના રંગપુરડા કેનાલમાંથી લાશ મળ્યા બાદ હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થતા જ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસો શરુ કર્યા હતા. જેમાં પોલીસને કિન્નર ભાવિક સાથેની વિશેષ હાજરીના પુરાવા આધારે જાનું નામના કિન્નરની અટકાયત કરતા સમગ્ર હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. કિન્નર જાનુંની પૂછપરછમાં ૯ કિન્નરોએ સાથે મળી કિન્નર ભાવિકાની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાનું કબુલ્યું હતું. આથી કડી પોલીસે હત્યારા કુલ ૯ કિન્નરોમાંથી ૭ કિન્નરોની હત્યા કેસમાં ધરપકડ કરી લીધી છે. તો વળી હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી અને ગુરુમાતા એવા વૈભાલી સહીત બે હત્યારા કિન્નર હાલમાં ફરાર છે. જોકે કડી પોલીસે કિન્નરની હત્યાનો ભેદ ઉકેલવાની સાથે ૭ જેટલા કિન્નરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.