સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 જૂન 2022 (11:41 IST)

લોધિકામાં ગ્રામપંચાયત સંચાલિત સરકારી શાળામાં પટાવાળા સિવાય કોઇ સ્ટાફ જ નથી

લોધીકામાં ગ્રામ પંચાયત સંચાલિત ખીમાણી વિદ્યાલયમાં શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય અદ્ધરતાલ બની ગયું છે. આથી વાલીઓમાં બાળકોને ક્યાં ભણાવવા એ ચિંતા ફેલાઇ છે. લોધીકા 38 ગામનો નાનો તાલુકો છે. શૈક્ષણિક રીતે તાલુકો પછાત છે.અધૂરામાં પુરુ આ ગામમાં આવેલી ગ્રામ પંચાયત સંચાલિત ખીમાણી હાઈસ્કૂલમાં શિક્ષકો નિવૃત્ત થયા, પાછી નવા શિક્ષકો, આચાર્યની ભરતી જ કરાઇ નથી. હાલની તકે આ શાળામાં એક પટ્ટાવાળા સિવાય તમામ જગ્યા ખાલી હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વંચિત રહે છે. આથી આ બાબતને ગંભીરતાથી લઇ શાળામાં શિક્ષકોની ભરતી કરવા સરપંચ, ઉપસરપંચ સહિત સામાજિક આગેવાનોએ રજૂઆત કરી છે.માજી સરપંચ પરબતભાઈ ભુત, આ ગામના જાગૃત આગેવાન સ્વ. ગુમાનસિંહ જાડેજાના પ્રયત્નો થકી આધુનિક, સુંદર, વિશાળ રમત ગમતના મેદાનથી, ફેન્સીંગ વગેરેથી સજ્જ શાળા બનાવાઇ હતી, પરંતુ આ ગામની કમનસીબી એ છે કે સરકારી શાળામાં શિક્ષકોની નિમણૂક સરકાર તરફથી કરાઇ ન હોવાથી બાળકોને નાછૂટકે ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે જવું પડી રહ્યું છે.

લોધીકાના આજુબાજુના ગામ જેવા કે ચાંદલી, જેતાકુબા, કોઠા પીપળીયા, અભેપર, સાંગણવા, માખાવડ, ચાપાબેડાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીં આવે છે, પરંતુ શાળામાં નવા શિક્ષકોની ઘટ હોવાથી ગરીબ, આર્થિક પછાત વર્ગના બાળકોના વાલીઓ વાર્ષિક 25 હજાર રૂપિયા ફી ભરી ન શકતા હોવાથી અભ્યાસ પડતો મૂકીને બાળમજૂરી કરવી પડે છે આ શાળામાં ધોરણ 9, 10 સુધીના જ વર્ગ છે.દાતાના સહયોગથી આલિશાન સંકુલ બનાવાયું છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. શિક્ષકો વગર બાળકો ભણે કઇ રીતે એ સવાલ વાલીઓને થાય છે, સરકારને નહીં થતો હોય ?વહેલી તકે શાળામાં કાયમ માટે શિક્ષકોની નિમણૂક થાય એવી રજૂઆત સુધાબેન વસોયા, દિલીપભાઈ મારકણા, મનુભાઈ સોલંકી, સામાજિક કાર્યકર ગૌરવ હંસોરાએ કરી છે.