બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 જૂન 2021 (11:24 IST)

ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ હબ બનશે, ઇલેક્ટ્રિક વાહનોની સબસિડી માટે સરકાર 870 કરોડનો ખર્ચ વહન કરશે

ઓટો ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા પાંચ વર્ષથી ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન-વેચાણને પ્રાયોરિટી આપી રહી છે. આવનારા ચાર વર્ષમાં આ નીતિ અંતર્ગત બે લાખ ઇલેકટ્રીક વાહનો રાજ્યના માર્ગો પર આવશે તેવી સ્પષ્ટ ધારણા સાથે લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું છે. તદઅનુસાર, ૧ લાખ ૧૦ હજાર ટૂ વ્હીલર, ૭૦ હજાર થ્રી વ્હીલર અને ર૦ હજાર જેટલા ફોર વ્હીલર આગામી ૪ વર્ષોમાં રાજ્યમાં આવશે તેવો અંદાજ છે.
 
આવા વાહનોનો પ્રતિ કિલોમીટરનો વપરાશ ખર્ચ અન્ય વાહનો કરતાં એવરેજ ૩૦ થી પ૦ ટકા ઓછો આવે છે તેમજ વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. એટલે કે આગામી ચાર વર્ષમાં ર લાખ ઇલેકટ્રીક વાહનો ગુજરાતના માર્ગો પર યાતાયાત માટે આવશે. 
 
ગુજરાતમં છેલ્લા ૫ વર્ષોમાં સતત ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનમાં વધારો થયો છે. ગુજરાતમાં ૨૦૧૭ માં માત્ર ૧૭૬ ઇલેક્ટ્રિક વાહનો રજિસ્ટર્ડ થયા છે. જેની સંખ્યા અત્યારે વધીને ૧૪૪૬ થઇ ગઇ છે એટલે કે ૨૦૧૭ ની સરખામણી ૭૬૧ ટકાનો વધારો નોંધાયો છે. 
 
ત્યારે ઓછામાં ઓછા આશરે પાંચ કરોડ રૂપિયાની ઇંધણ બચત થશે તથા અંદાજે ૬ લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. 
 
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશનના ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વ્હિકલનું વેચાણ એક વર્ષમાં બમણું થશે. ગુજરાતમાં ઇ-વ્હિકલ્સની સંખ્યા એક ટકાથી વધારીને 7 ટકા સુધી લઇ જવાનો સરકારનો ટાર્ગેટ છે જેને પ્રોત્સાહન મળશે. 
 
વાહનના કિલોવોટ દિઠ રૂ. ૧૦ હજારની સબસિડી આપશે, સરકાર રૂ. ૮૭૦ કરોડનો બોજ વહન કરશે
દેશના અન્ય રાજ્યો આવી સબસીડી પ્રતિ કિલોવોટ વધુમાં વધુ રૂ. પ હજાર આપે છે જ્યારે ગુજરાતમાં એનાથી બમણી એેટલે કે પ્રતિ કિલોવોટ રૂ. ૧૦ હજારની સબસીડી આપણે આપવાના છીએ. આના પરિણામે ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. ૮૭૦ કરોડનો બોજ વહન કરશે.
 
રાજ્યમાં ઇલેકટ્રીક ટુ વ્હીલર ખરીદનાર વ્યક્તિને ર૦ હજાર રૂપિયા સુધીની સબસિડીનું પ્રોત્સાહન મળશે તે જ રીતે થ્રી વ્હીલર માટે પ૦ હજાર સુધી અને ફોર વ્હીલર માટે રૂ. ૧ લાખ પ૦ હજાર સુધીનું પ્રોત્સાહન અપાશે. આ સબસિડીનો લાભ ૧.પ૦ લાખ સુધીની કિંમતના ટુ વ્હીલર, પ લાખ સુધીની કિંમતના થ્રી વ્હીલર અને ૧પ લાખ સુધીની કિંમતના ફોર વ્હીલરને મળવાપાત્ર થશે.
 
નવા રપ૦ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરાશે
ભારત સરકારની ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-ર) અન્વયે રાજ્યમાં ર૭૮ જેટલા ચાર્જીંગ સ્ટેશન મંજૂર થયેલા છે. રાજ્ય સરકાર આ ઉપરાંત વધુ રપ૦ ચાર્જીંગ સ્ટેશન ઊભા કરવા રૂ. ૧૦ લાખની મર્યાદામાં રપ ટકા જેટલી કેપિટલ સબસિડી પૂરી પાડશે. આમ, આગામી વર્ષોમાં સમગ્ર રાજ્યમાં પર૮ જેટલા ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું થશે.
 
એથના સીઇઓ તરૂણ મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર વાહનોની કિંમત પર સબસિડી આપી છે તે સારી બાબત છે પરંતુ હવે સરકાર ચાર્જિંગ સ્ટેશન ઝડપથી ઊભા કરે તે જરૂરી છે. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવો હવે જરૂરી છે. સરકાર બિલ્ડિંગોમાં પાવર સોકેટ લગાવે તો પણ વેચાણને ઝડપી વેગ મળશે.