શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 જૂન 2021 (09:33 IST)

ઇલેકટ્રીક વ્હીકલ: ગુજરાત ઇલેકટ્રીક વાહનનું મોડેલ પણ સમગ્ર દેશ માટે ઉદાહરણ રૂપ બનશે

ગુજરાત દેશના ઓટોમોબાઇલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે. હવે, પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારમાં સિમાચિન્હ રૂપ ઇલેકટ્રીક વ્હીકલ હબ પણ ગુજરાત આગામી વર્ષોમાં બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેતુસર ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
 
વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ અને બંદરો-વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ પોલિસીની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, આ નીતિ-પોલિસી દ્વારા ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઇ-વ્હીકલના ડ્રાઇવીંગ, વેચાણ, ધિરાણ, સર્વિસીંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે.
 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણા તેમજ ઇલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોના અભિપ્રાયો અને સહાયથી ટેકનોલોજી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ ઇ-વ્હીકલ સંબંધિત પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને ગુજરાતની આ ઇ-વ્હીકલ પોલિસી ઘડવામાં આવી છે.વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસીમાં મુખ્યત્વે ચાર બાબતો પર વિશેષ ઝોક આપવામાં આવેલો છે.
 
રાજ્યમાં ઇલેકટ્રીક વ્હીકલનો ઉપયોગ વધારવો, રાજ્યને ઇ-વ્હીકલ અને તેને આનુષાંગિક સાધન-સામગ્રીના ઉત્પાદનનું મેન્યૂફેકચરીંગ હબ બનાવવું તેમજ ઇલેકટ્રીક મોબીલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા સાથોસાથ વાહનોના ઇંધણના ધૂમાડાથી થતા વાયુ-ધ્વનિ પ્રદૂષણને ઘટાડી પર્યાવરણની રક્ષા કરવી એવા બહુવિધ ધ્યેય આ પોલિસીના છે
.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આવનારા ચાર વર્ષમાં આ નીતિ અંતર્ગત બે લાખ ઇલેકટ્રીક વાહનો રાજ્યના માર્ગો પર આવશે તેવી સ્પષ્ટ ધારણા સાથે લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું છે. તદઅનુસાર, ૧ લાખ ૧૦ હજાર ટૂ વ્હીલર, ૭૦ હજાર થ્રી વ્હીલર અને ર૦ હજાર જેટલા ફોર વ્હીલર આગામી ૪ વર્ષોમાં રાજ્યમાં આવશે તેવો અંદાજ છે.
 
આવા વાહનોનો પ્રતિ કિલોમીટરનો વપરાશ ખર્ચ અન્ય વાહનો કરતાં એવરેજ ૩૦ થી પ૦ ટકા ઓછો આવે છે તેમજ વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. એટલે કે આગામી ચાર વર્ષમાં ર લાખ ઇલેકટ્રીક વાહનો ગુજરાતના માર્ગો પર યાતાયાત માટે આવશે ત્યારે ઓછામાં ઓછા આશરે પાંચ કરોડ રૂપિયાની ઇંધણ બચત થશે તથા અંદાજે ૬ લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. 
 
 
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ઇલેકટ્રીક વાહનો મોંઘા છે અને સામાન્ય માનવીને તે પરવડી શકે તેમ નથી તેવી માન્યતા દૂર થાય અને ચાર વર્ષમાં બે લાખ ઇલેકટ્રીક વાહનોના ઉપયોગનો લક્ષ્યાંક વાસ્તવિકતા બને તેનો પણ સુદ્રઢ વિચાર કરીને આ પોલિસી તૈયાર થઇ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ. ૧૦ હજારની સબસિડી આપશે.
 
સમગ્ર દેશમાં ગુજરાત આવી પ્રતિ કિલોવોટ સબસિડી આપવામાં અગ્રેસર રાજ્ય છે એમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે દેશના અન્ય રાજ્યો આવી સબસીડી પ્રતિ કિલોવોટ વધુમાં વધુ રૂ. પ હજાર આપે છે જ્યારે ગુજરાતમાં એનાથી બમણી એેટલે કે પ્રતિ કિલોવોટ રૂ. ૧૦ હજારની સબસીડી આપણે આપવાના છીએ. આના પરિણામે ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. ૮૭૦ કરોડનો બોજ વહન કરશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ઇલેકટ્રીક ટુ વ્હીલર ખરીદનાર વ્યક્તિને ર૦ હજાર રૂપિયા સુધીની સબસિડીનું પ્રોત્સાહન મળશે તે જ રીતે થ્રી વ્હીલર માટે પ૦ હજાર સુધી અને ફોર વ્હીલર માટે રૂ. ૧ લાખ પ૦ હજાર સુધીનું પ્રોત્સાહન અપાશે
. આ સબસિડીનો લાભ ૧.પ૦ લાખ સુધીની કિંમતના ટુ વ્હીલર, પ લાખ સુધીની કિંમતના થ્રી વ્હીલર અને ૧પ લાખ સુધીની કિંમતના ફોર વ્હીલરને મળવાપાત્ર થશે.
 
એટલું જ નહિ, આ સબસિડીની રકમ વાહન ખરીદનાર વ્યક્તિના બેંક ખાતામાં સીધી જ ડી.બી.ટી થી આપવામાં આવશે તથા સરળ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પોર્ટલ મારફતે ખૂબ જ ઓછા સમયમાં વાહન ખરીદનારને આવી સબસિડી મળી જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
 
આવી સબસિડી માટે પ્રાયવેટ કે કોમર્શીયલ વાહન કોઇ પણ વાહનનો પ્રકાર ધ્યાનમાં લીધા સિવાય અને ગુજરાતના આર.ટી.ઓ. દ્વારા પાસ થયેલા વાહનોને મોટર નોંધણી ફીમાંથી ૧૦૦ ટકા મુક્તિ આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જોગવાઇ પણ આ પોલિસીમાં રાખવામાં આવેલી છે.
 
તેમણે કહ્યું કે, ભારત સરકાર ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-ર) અન્વયે વાહન ખરીદનારને જુદા જુદા પ્રોત્સાહનો આપે છે. ગુજરાત સરકાર દ્વારા જે સબસિડી અપાશે તે ભારત સરકારની આ યોજના ઉપરાંત આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા ઇલેકટ્રીક વાહનોમાંની બેટરીના ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધાઓ વિકસાવવાની બાબત પણ આ પોલિસીમાં સાંકળી લેવાઇ છે તેમ જણાવ્યું હતું.
 
તેમણે આ અંગે કહ્યું કે, ભારત સરકારની ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-ર) અન્વયે રાજ્યમાં ર૭૮ જેટલા ચાર્જીંગ સ્ટેશન મંજૂર થયેલા છે. રાજ્ય સરકાર આ ઉપરાંત વધુ રપ૦ ચાર્જીંગ સ્ટેશન ઊભા કરવા રૂ. ૧૦ લાખની મર્યાદામાં રપ ટકા જેટલી કેપિટલ સબસિડી પૂરી પાડશે. આમ, આગામી વર્ષોમાં સમગ્ર રાજ્યમાં પર૮ જેટલા ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું થશે.
 
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર અલગ અલગ ટેકનોલોજી અને વિવિધ બિઝનેશ મોડલ્સ દ્વારા ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહિત કરશે. તેના દ્વારા ખાનગી માલિકીના, વીજળીનું વિતરણ કરતી કંપનીઓની માલિકીના અને રોકાણકર્તાઓની માલિકીના ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર અને બેટરીના સ્વેપીંગ સ્ટેશનોને પ્રોત્સાહન મળશે. એટલું જ નહિ, હાઉસીંગ અને કોમર્શીયલ બાંધકામોમાં ચાર્જીંગ સ્ટેશનની વ્યવસ્થા ઉભી થાય તેવી જોગવાઇ પણ આ પોલીસીમાં કરવામાં આવેલી છે. પેટ્રોલ પંપોને પણ ચાર્જીંગ સ્ટેશન માટે મંજૂરી આપવામાં આવશે.
 
આમ, સમગ્રતયા ઇલેકટ્રીક વાહનોના ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહી સમગ્ર દેશમાં એક ઉદાહરણ પુરૂં પાડશે. ઇલેકટ્રીક વાહનોના ઉત્પાદકોને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી અને અન્ય પોલીસીઓ અંતર્ગત ઇન્સેન્ટીવ મળશે. નેશનલ ઇલેકટ્રીક મોબીલીટી પ્લાન સાથે આ પોલીસી સુસંગત બનાવવામાં આવી છે.
 
 
રાજ્ય સરકારે ઇ-વ્હીકલ ઉપર સમગ્રતાથી ગહનતાપૂર્વક વિચાર કર્યો છે. આ એક નવી ટેકનોલોજી છે તેને વધાવવા ગુજરાત સરકારે પૂરી તૈયારી કરી છે. ઇ-વ્હીકલનો વપરાશ વધતા તેમાં વેચાણ, ધિરાણ, સર્વિસીંગ, ચાર્જીંગ, ડ્રાઇવીંગ, ટ્રેનીંગ ક્ષેત્રે રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. આ ક્ષેત્રે નવા સ્ટાર્ટઅપ અને રોકાણને રાજ્યમાં પ્રોત્સાહિત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે આ પોલીસીના અસરકારક અમલીકરણ માટે સ્પષ્ટ સ્ટ્રેટેજી ઘડી છે તે અનુસાર આ પોલીસીના આયોજન, અમલ અને રીવ્યુ માટે બંદરો અને વાહન વ્યવહાર વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે.
 
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, રાજ્ય સરકાર આ પોલીસી જાહેર કરીને સંતોષ માનવાની નથી પરંતુ તેના અમલીકરણની સમીક્ષા પણ વખતોવખત કરવામાં આવશે અને આ પોલીસીના હેતુઓ પાર પડે તે સુનિશ્ચિત કરશે. નજીકના ભવિષ્યમાં બે લાખ ઇલેકટ્રીક વાહનોની નોંધણી રાજ્યમાં થશે અને જે રીતે ગુજરાતનું વિકાસ મોડલ પ્રખ્યાત થયું છે તેમ ગુજરાત ઇલેકટ્રીક વાહનનું મોડેલ પણ સમગ્ર દેશ માટે ઉદાહરણ રૂપ બનશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યકત કર્યો હતો.