રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 મે 2022 (14:54 IST)

સવા મહિનાના બાળકનું હૃદય ત્રણ વાર બંધ થયું, હૃદય ઉપર 6 વખત ઇલેક્ટ્રિક કરંટ આપી બાળકને આપ્યુ નવજીવન

news gujarati
અમદાવાદના સોલા વિસ્તારમાં વ્યવસાયે એન્જિનિયર એવા માતા - પિતાનું માત્ર સવા મહિનાના બાળક અચાનક એક ગંભીર રોગનો શિકાર થયું. બાળકને દૂધ પીવામાં ખૂબ તકલીફ પડવા લાગી, બાળકે સતત રડવાની શરૂઆત કરી દીધી, સવા મહિનાના બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, બાળકનું ભાન અચાનક ઓછું થઈ ગયું અને છેવટે બાળક કોમામાં સરી પડ્યો. બાળકની ગંભીર પરિસ્થિતિ જોઈ માતા - પિતાના હોશ ઉડી ગયા. પરંતુ બાળકને તાત્કાલિક સારવાર માટે ગંભીર સ્થિતિમાં અમદાવાદના મેમનગરમાં આવેલી ડિવાઇન ઇન્સ્ટિટયૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થમાં લાવવામાં આવ્યો જ્યાં બાળકને સારવાર આપી અત્યંત નાજુક સ્થિતિમાંથી નવજીવન મળ્યું છે. 
 
બાળક જ્યારે સારવાર માટે પહોંચ્યું ત્યારે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલે જોયું કે, બાળકના ધબકારા અતિશય વધારે હતા. જેમાં બાળકનું હૃદય એક મિનિટમાં 300 વાર કરતાં પણ વધારે અતિ ઝડપે ધબકતું હતું. સામાન્ય રીતે આટલી ઉંમરે બાળકના ધબકારા 100 જેટલા હોવા જોઈએ. ધબકારા 300 હોવાને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ એકદમ ઓછું થઈ ગયું હતું, જેને કારણે બાળકના મગજ ઉપર ખૂબ જ ગંભીર અસર થઇ હતી અને બાળકને 6 વખત ખેંચો આવી હતી. 
 
બાળકના હૃદયનું પમ્પિંગ માત્ર 5 ટકા જેટલું હતું, બાળકના ધબકારા સતત અનિયમિત હતા. બાળકનું બીપી એટલું ઓછું થઈ ગયું હતું કે જેને માપવું પણ અશક્ય હતું. સાથે સાથે બાળકને ફેફસા ઉપર પણ ગંભીર અસરો થઇ હતી. બાળકમાં ઇન્ફેક્શનનું પ્રમાણ ઘણું વધારે હતું. જેના કારણે બાળકના લીવર અને કિડની જેવા મહત્વના અંગો પણ  ફેઇલ થવાની નજીક પહોંચ્યા હતા. 
 
માત્ર સવા મહિનાના બાળકની આ નાજુક સ્થિતિમાં ડોક્ટર હાર્દિક પટેલ, ડોક્ટર દેવાંગ સોલંકી અને ડિવાઇન હોસ્પિટલની ટીમ દ્વારા જુસ્સાભેર સારવાર ચાલુ કરવામાં આવી. બાળકને તુરંત જ વેન્ટિલેટર સપોર્ટ આપી, હૃદયનું પમ્પિંગ મજબૂત કરવા માટે 4 અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યા, બાળકને આવતી ખેંચો બંધ કરવા 3 અલગ અલગ પ્રકારની દવાઓ ચાલુ કરવામાં આવી, તથા બાળકના લીવર અને કીડની જેવા મહત્વના અંગો માટેની દવાઓ પણ ચાલુ કરવામાં આવી. 
 
આ સારવાર દરમિયાન બાળકનું હૃદય ખુબ જ નાજુક પરિસ્થિતિમાં હતું. અને શરૂઆતના 48 કલાકમાં જ બાળકનું હૃદય ત્રણ - ત્રણ વખત બંધ થઈ જવા છતાં પણ પંપીંગ કરીને ત્રણેય વખતે ચાલુ કરવામાં આવ્યું. આ ઉપરાંત હૃદયના ધબકારા છ - છ વખત અનિયમિત થયા હતા છતાં પણ બાળકને છ - છ વખત હૃદય પર કરંટ આપીને ધબકારા નિયમિત કરવામાં આવ્યા, જેને મેડિકલ ભાષામાં 'Synchronised cardioversion' કહેવાય છે અને હૃદયના ધબકારા નિયમિત રાખવા માટે 4 પ્રકારના ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યા.  
 
છેક સાત દિવસના અંતે બાળકમાં રિકવરી દેખાઈ. શરીરના નુકસાન થયેલા અંગો ધીરે - ધીરે સારી પરિસ્થિતિમાં આવવા લાગ્યા અને બાળકને વેન્ટિલેટર ઉપરથી બહાર કાઢવામાં આવ્યો. અન્ય અંગો માટેના સપોર્ટની દવાઓ ઓછી કરવામાં આવી અને છેવટે 18 દિવસના અંતે સતત ચાલતા જીવન મરણ વચ્ચેના યુદ્ધનો અંત આવ્યો. 
 
ડોક્ટર હાર્દિક પટેલ અને ડોક્ટર દેવાંગ સોલંકીના જણાવ્યા મુજબ, બાળકોમાં આટલી નાજુક સ્થિતિના કેસ જવલ્લેજ જોવા મળે છે. જેમાં 6 વાર બાળકને કરંટ આપવો પડ્યો હોય. આવી સ્થિતિમાં આવનાર બાળકો મોટાભાગે બચાવી શકાતા નથી હોતા અને જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટાભાગે શારીરિક અને માનસિક ખોડખાંપણ રહી જતી હોય છે, પરંતુ આ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેના બધા જ અંગો નોર્મલ પરિસ્થિતિમાં છે.