મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (18:13 IST)

માહિતી ખાતાની વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટે રોક લગાવી, રાજ્ય સરકાર,માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી

ભરતી પ્રક્રિયામાં સમાન તકના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું હાઈ કોર્ટે અવલોકન કર્યું 
ગુજરાતમાં હેડકલાર્કની ભરતી પરીક્ષામાં પેપર ફુટી નીકળ્યાની ઘટના બાદ સરકારે પરીક્ષા રદ કરી છે. તેની સાથે રાજયમાં હાલમાં લેવાયેલી માહિતી ખાતાની વર્ગ 1 અને 2ની ભરતી પ્રક્રિયામાં મેરીટના આધારે ઉમેદવારોને પાસ જાહેર કરીને તેઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે તે સમયે પાસ ન થયેલા અનેક ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પદ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે રૂબરૂ ઈન્ટરવ્યુ નવેસરથી લેવા તથા વેઈટીંગ લીસ્ટ પણ બનાવવાની માંગણી કરી હતી. આ બાબતે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને હાઈકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.
 
માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી
માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતી મામલે સિલેક્ટ લિસ્ટ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.પરીક્ષાના કેટલાક ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જેમાં અરજદારોએ દાવો કર્યો હતો કે ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ નથી લીધા. 100 માર્કના ઇન્ટરવ્યૂમાં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે. પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઇન્ટરવ્યૂમાં અપાયેલા માર્કની સમાનતા જળવાઈ નથી. હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલે હાઈકોર્ટે પૂછ્યું કે આવું કઈ રીતે ચાલે? તે ઉપરાંત ભરતી પ્રક્રિયામાં સમાન તકના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે.
 
અરજદારોએ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા હતાં
માહિતી ખાતામાં વર્ગ-1 અને વર્ગ-2ની ભરતીમાં જે ઉમેદવારો રૂબરૂ ઈન્ટરવ્યુ પ્રક્રિયા પસાર કરવામાં નિષ્ફળ ગયા હતા. તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરીને સમગ્ર ઈન્ટરવ્યૂ પ્રક્રિયા સામે જ સવાલો ઉઠાવ્યા હતાં. તેમાં ઈન્ટરવ્યુ લેનાર પોતાની ઓળખ જાહેર ન કરી શકે તેવો નિયમ હોવા છતાં એક વ્યક્તિએ પોતાની ઓળખ જાહેર કરી દીધી હતી. એટલું જ નહી સમગ્ર ઈન્ટરવ્યૂમાં પેનલમાં જે લોકો બેઠા હતા તેમાં પણ તમામ સમયે પાંચ લોકોને બદલે ઓછા લોકોએ બેસીને સમગ્ર પ્રક્રિયા કરી હતી અને જે રીતે રૂબરૂ ઈન્ટરવ્યૂના માર્ક અપાયા છે તે પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠાવ્યાં હતાં. આમ સમગ્ર ઈન્ટરવ્યૂ પ્રક્રિયા પ્રસ્થાપિત સિદ્ધાંતો વગરની રહી હોવાથી તે ફરી વાર યોજવાની હાઈકોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી હતી.