1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 24 માર્ચ 2023 (16:52 IST)

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો, સરકારે કેન્દ્રને દરખાસ્ત જ મોકલી નથી

gujarat assembly
ગુજરાતમાં સત્તાધારી ભાજપ વર્ષોથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ગુલબાંગો ફૂંકે છે. ભાજપની પ્રેસ યાદીમાં પણ અમદાવાદનો ઉલ્લેખ કર્ણાવતી તરીકે કરાય છે. તેમ છતાં છેલ્લા 27 વર્ષથી શાસનમાં રહેલ ભાજપની સરકારોએ અમદાવાદનું નામ બદલવામાં કોઈ રસ દાખવ્યો નથી. આજે આ મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો છે. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત જ સરકારે કેન્દ્રને મોકલી નથી. વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે. 
 
સરકારે કોઈ માંગ કે દરખાસ્ત કેન્દ્રને મોકલી નથી
ગુજરાત વિધાનસભામાં ચર્ચા દરમિયાન અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો મુદ્દો ગાજ્યો હતો. ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે, અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત સરકારે કેન્દ્રને મોકલી જ નથી. આ બાબતે માર્ચ 2021માં પણ વિધાનસભામાં સવાલ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે 2021ના સત્રમાં સવાલ કર્યો હતો કે અમદાવાદનું નામ બદલવા સરકારે કયા પગલાં લીધાં છે. ત્યારે તત્કાલિકન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ માંગ કે દરખાસ્ત કેન્દ્રને મોકલી નથી. 
 
હવે ભાજપની જ વિદ્યાર્થી પાંખ અભિયાન શરૂ કરશે
તાજેતરમાં જ RSSના વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગ કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે ABVP નું કહેવું છે કે આ એક રાજકીય મુદ્દો નથી પરંતુ સાંસ્કૃતિક મુદ્દો છે. અમદાવાદનું નામ બદલવાની માંગણી કરનારાઓની એવી દલીલ છે કે 1411માં મુસ્લિમ શાસક અહમદ શાહે જ્યાં કબજો જમાવ્યો અને  તેનું નામ અહમદાબાદ કરી નાખ્યું. જે અમદાવાદ પણ કહેવાય છે. અમદાવાદનું અસલ નામ કર્ણાવતી છે.