શનિવાર, 2 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (15:20 IST)

ચીનથી આવેલા ભાવનગરના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ, ક્વોરન્ટીન કરી દેવાયો

corona india
કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપિડ ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો. વેપારી યુવાનને ક્વોરન્ટીન કરી RTPCR અને જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. યુવાનના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.તો બીજી તરફ ભાવનગર તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં કોવિડ ટેસ્ટની સંખ્યા વધારવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ઉપાધ્યાયએ જણાવ્યું છે કે કોવિડનું સંક્રમણ ન ફેલાય એ માટે જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. છેલ્લા 21 દિવસમાં કોવિડનો એકપણ પોઝિટિવ કેસ ન હતો. પરંતુ ગતરોજ ચાઈનાથી પરત ફરેલા એક વેપારી એ કોવિડ ટેસ્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી હેલ્થ વિભાગે આ વેપારીને ક્વોરન્ટીન કરી સારવાર શરૂ કરી છે, એ સાથે આ વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ અને પરિવારજનોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.ચીનમાં હાલ કોરોનાએ જે કહેર મચાવ્યો છે એમાં ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7 જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચીનથી પરત આવેલા વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ લઈ જીનોમ સિકવન્સિંગ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.ભાવનગર મનપા કમિશનરે વર્તમાન સ્થિતિને જોતાં શહેરમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવાની સૂચના આપવામાં આવી છે. હાલ દરરોજ 100 જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે, એમાં વધારો સૂચના આપવામાં આવી છે. PHC અને સરટી હોસ્પિટલમાં લોકો ફ્રીમાં ટેસ્ટ કરાવી શકશે. ભાવનગરમાં રેપિડ ટેસ્ટ માટે અને RTPCR માટે પૂરતી કિટ ઉપલબ્ધ હોવાનું કહ્યું હતું.