1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (11:56 IST)

રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવતાં તંત્ર દોડતું થયુ

love and care of corona patient
વિદેશમાં વકરી રહેલા કોરોનાના કેસોથી ફરીવાર હાહાકાર મચી ગયો છે. કોરોનાને લઈને ભારત દેશ પણ એલર્ટ થઈ ગયો છે. ગઈકાલે કેન્દ્રીય સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોના અંગેની જાણકારી આપી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા હાઈલેવલની બેઠક યોજવાના છે. બીજી બાજુ ગુજરાતમાં પણ ઓમિક્રોનનો નવો વેરિયન્ટ જણાતા સરકાર અને તંત્ર એલર્ટ થઈ ગયું છે. ત્યારે આજે રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર સાતમાં આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ છે અને આઈસોલેશન સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
 
અમદાવાદમાં 2 અને વડોદરામાં  BF.7નો એક કેસ 
ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા હતાં. જેને લઈને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું અને સરકારે તાત્કાલિક બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિને કોરોના થયો હતો અને તેના જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જીનોમ સિક્વન્સની તપાસમાં ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ હતું. અમદાવાદમાં એક અઠવાડિયા પહેલાં કેસ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં જે કેસ નોંધાયો છે એ નવો કેસ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હજી સુધી આ મામલે કોઇ જાહેરાત કરાઈ નથી. સરકારે રાજ્યના તમામ જિલ્લામાં કોરોનાના કેસો વધે નહીં તે માટે પગલા લેવા સૂચના આપી દીધી છે. 
 
પ્રો- એક્ટિવ તૈયારીઓ કરવા માટે સૂચના 
બીજી તરફ સરકારે સ્પષ્ટતા કરી હતી કે,  ગુજરાતમાં ઓમિક્રોનના BF 7  વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી.જુલાઇ-સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટથી સંક્રમિત થયેલ વયોવૃદ્ધ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ ગયા હતાં. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રો- એક્ટિવ તૈયારીઓ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.