બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (08:15 IST)

વડોદરામાં BF.7નો કેસ, અમેરિકાથી આવેલ મહિલાનો રિપોર્ટ પૉઝિટિવ, તંત્રે શું કહ્યું?

ચીનમાં ઓમિક્રૉનના જે સબવૅરિયન્ટના કારણે એકાએક કોરોના કેસમાં ઉછાળો નોંધાયો છે. એ BF.7 સબવૅરિયન્ટનો વડોદરામાં એક પૉઝિટિવ કેસ નોંધાયો છે.
 
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પત્રકારપરિષદ સંબોધીને આ અંગે માહિતી આપી હતી.
 
વડોદરામાં નોંધાયેલો કેસ 61 વર્ષીય મહિલાનો છે. આ મહિલા 11 સપ્ટેમ્બર 2022ના રોજ અમેરિકાથી આવી હતી. એક અઠવાડિયા બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
 
મહિલા વિદેશમાંથી આવી હોવાથી તેમનાં સૅમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યાં હતાં. જેનું પરિણામ 21 ડિસેમ્બરે આવતાં BF.7થી સંક્રમિત હોવાનું પુરવાર થયું હતું.
 
આ મહિલાએ કોરોના વૅક્સિનના ત્રણેય ડોઝ લીધા હતા અને હોમ આઇસોલેશનમાં રહીને સારવાર લીધી હતી.
 
મહિલા હાલમાં ઘરે જ હોવાનું અને તેમની તબિયત સામાન્ય હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.
 
આ દરમિયાન 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ' ગાંધીનગરના નિદેશક ડૉ. દિલીપ માવળંકરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “જેટલું વધારે સિક્વન્સિંગ થશે, તેટલી વધારે માહિતી બહાર આવશે કે આ વૅરિયન્ટ કેટલો જોખમી છે. પરંતુ ચીનમાંથી જે સમાચાર મળી રહ્યા છે, તે સારા નથી.”
 
તેમણે વધુમાં કહ્યું હતું કે, “એ પણ જોવાનું રહેશે કે આ નવા વૅરિયન્ટ સામે આપણી ભારતીય વૅક્સિન કેટલી કારગર છે. આ માટે તકેદારી તો રાખવી જ પડશે. કારણકે ચિંતાનું કારણ તો છે જ.”