રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 એપ્રિલ 2024 (12:06 IST)

રણછોડરાય મંદિરની શરમજનક ઘટના, ડાકોરમાં મંગળા આરતી સમયે મંદિરમાં મારામારી

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે મંગળા આરતી સમયે છુટાહાથની મારામારી થઈ હતી.જે મામલો પોલીસ મથક સુધી લંબાયો છે. આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે. જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળાઆરતી સમયે જ મારામારીના દ્દશ્યો સર્જાયા હતા. મંદિરના ઘુમ્મટમા જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી.આ છુટાહાથની મારામારીના દ્દશ્યો કેમેરામાં કેદ થયા હતા.સમગ્ર બાબતને લઈને વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનનાં દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભ ગૃહની સામે જ મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ હતી. મારામારીની ઘટના બનતા ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા આ બબાલ કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા. આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ બાબતે ડાકોર પીઆઈ વી.ડી.મંડોરાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, રેગ્યુલર દર્શનાર્થીઓ અને બહારથી આવેલા દર્શનાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મંદિર પરિસરમાં ઘૂમ્મટમાં જ બોલાચાલી થઈ હતી. જે બાદ છુટાહાથની મારામારી સુધી પહોંચતા બે પૈકી બહારથી આવેલા વૈષ્ણવ દર્શનાર્થીએ ડાકોર પોલીસમાં અરજી આપી છે, અમે આ અરજીના આધારે બંને પક્ષોને બોલાવી નિવેદનો લઈશું. આ બાબતે ડાકોર મંદિરના મેનેજરએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મંદિરના ઘુમ્મટમાં આ ઘટના બની છે. દર્શન બાબતને લઈને બે વૈષ્ણવો વચ્ચે મારામારી થઈ છે. મંદિરમાં બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મી અને અમારા સિક્યુરિટીએ બંને ટોળાને શાંત પાડી છૂટા પાડ્યા હતા.