ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 એપ્રિલ 2024 (11:54 IST)

ગુજરાતના ચાર જિલ્લામાં જળાશયોમાં પાણીની ઘટથી લોકોમાં ચિંતા ઉભી થઈ

ગુજરાતના ચાર જિલ્લામાં જળાશયોના પાણીની ઘટથી લોકોમાં ચિંતા ઉભી થઈ છે. જેમાં ઉનાળાના પ્રારંભે જ ઉત્તર ગુજરાતના 15 પૈકી અડધો અડધ જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ પાણીની ઘટ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જળાશયોમાં 30 ટકા કરતાં ઓછું પાણી હોય બળબળતા ઉનાળામાં મુશ્કેલીઓ સર્જાવાની ભીતિ છે.ગયા વર્ષની સરખામણીએ 15 જળાશયોમાં પાણીની ટકાવારી 3.86 ટકા ઘટી છે. આ વર્ષે સૌથી વધુ મહેસાણાના જળાશયમાં 51.14 ટકા પાણી, સાબરકાંઠાનાં જળાશયોમાં સૌથી ઓછું 24.40 ટકા પાણી છે. આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં દિવસે મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યુ છે. ત્યારે જળાશયોમાં પાણીની ઘટથી લોકોમાં ચિંતા ઉભી થઈ છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં કુલ 15 જળાશયો આવેલા છે. આ તમામ જળાશયોમાં ઉનાળાની શરૂઆતમાં જ હાલ માત્ર 39.01 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીની સંગ્રહ ક્ષમતા 1932.79 એમસીએમ છે. પરંતુ હાલ જળાશયોમાં માત્ર 758.8ર એમસીએમ પાણી જ ઉપલબ્ધ છે.ગત વર્ષે માર્ચ મહિનાના અંતમાં ઉ.ગુ.ના જળાશયોમાં 42.87 ટકા પાણીનો સંગ્રહ હતો. તેની સરખામણીએ આ વર્ષે ચાર ટકા જેટલુ પાણી ઓછુ છે અને ગત વર્ષ માર્ચ મહિનાના અંતની સરખામણીએ ઉ.ગુ.ના 8 જળાશયોમાં પાણીની ઘટ પ્રવર્તી રહી છે.

આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ સૌથી ઓછું 24.40 ટકા પાણી સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં છે. જ્યારે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં 29.99 ટકા પાણી છે. હજુ એપ્રિલ, મે અને જૂન 20 તારીખની આસપાસ ચોમાસુ શરૂ થાય ત્યાં સુધીમાં અઢી મહિનાનો સમય બાકી છે. બાકીના અઢી મહિનામાં કાળઝાળ ગરમી પડશે પરિણામે જળાશયોમાંથી પાણીનું બાષ્પિભવન પણ થશે. ત્યારે જે જળાશયોમાં પાણીનો જથ્થો ખુબ ઓછો છે ત્યાં ઉનાળો પુરો થાય ત્યાં સુધીમાં તળિયાં પણ દેખાઈ જાય તેવી ભીતિ રહેલી છે