બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 જુલાઈ 2021 (11:37 IST)

રાજ્યમાં મમતા દિવસના નામે અઠવાડિયામાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવાનો નિર્ણય લેવાયો

રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં સપ્તાહમાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. રાજય સરકારના આરોગ્ય વિભાગ મુજબ મમતા દિવસે બાળકોનુ રસીકરણ થઈ શકતુ નથી. જેથી દર બુધવારે કોરોના વેક્સિન હવે આપવામાં આવશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું છે. જો કે સરકાર પાસે વેક્સિનેશનનો મર્યાદિત સ્ટોક હોવાના કારણે આ મમતા દિવસના નામે એક દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી મુજબ બુધવારે કોરોના વેક્સિનેશન બંધ રહેશે. હવે દર અઠવાડિયે એક દિવસ રસીકરણ બંધ રહેવાથી અમદાવાદમાં વેક્સિન ઉપલબ્ધ નહિ હોય. કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રાજયમાં સરકારે વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે. પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી રસી લેવા માટે કેન્દ્ર પર જઈને લાઈનો લગાવે છે. પરંતુ  એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આવ્યો છે. 
 
અમદાવાદ શહેરમાં 400 જેટલા રસીકરણ કેન્દ્રો ઉપર વેક્સિન આપવામાં આવે છે. શહેરમાં સોમવારે 33 હજાર 981 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. સોમવારે 18થી 44 વય જૂથના 16,691 અને 45 વર્ષ ઉપરના 12,258 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના માત્ર 3033 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા 1125 લોકોને વેકસીન આપવામાં આવી હતી. અત્યાર સુધી 17,194 જેટલા સુપરસપ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. રાજયમાં એક દિવસ વેક્સિન બંધ રહેતા દિવાળી સુધીમાં દરેક અમદાવાદી વેક્સિનનો પહેલો ડોઝ મેળવશે તેવો ટાર્ગેટ પૂરો નહિ થાય.  અમદાવાદની વસતી અંદાજે 60 લાખની આસપાસ છે. પરંતુ અત્યાર સુધી માત્ર 6 લાખ લોકોએ કોરોનાની રસીના બે ડોઝ લીધા છે. આનો અર્થ એ થયો કે માત્ર 10 ટકા વસતીએ બે  ડોઝ લીધા છે. જ્યારે અંદાજે 54 લાખ લોકોએ હજુ બંને ડોઝ પૂરા કરવાના બાકી છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વચ્ચે બચાવનો એકમાત્ર ઉપાય રસી છે. જો કે, અત્યાર સુધી લગભગ 24 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે બંને ડોઝ લેનારાની સંખ્યા 6 લાખની આસપાસ છે.