1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 જુલાઈ 2021 (09:16 IST)

ગાંધીનગર જિલ્લામાં ઝાડા-ઊલટી થતાં 13 કલાકમાં જ પિતા અને પછી 3 વર્ષના પુત્રનું મોત

કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલ જે. પી.ની લાટીના છાપરામાં દુષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે. 100 જેટલા ઘરોમાં દરેકના ઘરમાં એક-બે વ્યક્તિઆ ઝાડા-ઉલ્ટી સહિતની બિમારીઓમાં સંપડાઈ ગયા છે. છેલ્લા 15 દિવસથી અહીં દુષિત પાણી આવે છે જે અંગે તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા. જેને પગલે રોગાચાળો ફાટી નીકળતાં ઘરે-ઘરે બિમારીના ખાટલા જોવા મળે છે. જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.

સ્થાનિકોએ ત્રણ મોત માટે તંત્રને જવાબદાર ઠેરવ્યું છે. ખૂબજ દુર્ગંધ મારતું તેમજ દુષિત પાણી આવતું હોવા અંગે સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી.જોકે તંત્ર દ્વારા આ દિશામાં કોઈ પગલાં ન લેતા પરીસ્થિતી વણસી ગઇ છે. રોગચાળાની સ્થિતિને પગલે પાલિકાની આરોગ્યની 10 ટીમોને દોડતી કરાઈ હતી. જે. પી.ની લાટીના છાપરા અને આસપાસના વિસ્તારોમાં પણ આરોગ્યની ટીમો દ્વારા મુલાકાત લેવાઈ હતી. જેમાં 1 હજાર ઘરોમાં ઓઆરએસ, જરૂરી દવાઓ અને પાણી શુધ્ધ કરવા માટે ગોળીઓ આપાવામાં આવી હતી.કલોલ સિવિલ, પ્રાઈવેટ હોસ્પિટલ્સ અને ઘરે પણ લોકો સારવાર લઈ રહ્યાં છે. જોકે બે બાળકો સહિત ત્રણ લોકોના મોતને પગલે તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ છે.હજુ તો ચોમાસાની સિઝનનો સારો વરસાદ પણ થયો નથી ત્યારે જ કલોલમાં જે રીતે દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે તેના પરથી લાગી રહ્યુ છે કે આગામી દિવસોમાં જ્યારે સારો વરસાદ પડશે તેના કારણે ફેલાતી ગંદકી અને માખી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળામાં વધારો થવાની હાલ શકયતા જણાઈ રહી છે ત્યારે નગર પાલિકા તરફથી નગરમાં જયા જયાં સંભવિત રોગચાળાની સ્થિતી ઉભી થાય તેમ લાગી રહ્યુ છે તેવા વિસ્તારોમાં અત્યારથી જ તકેદારીના પગલાંરૂપે જેતે વિસ્તારમાં ગંદકી અને પાણીને લગતી સમસ્યા હોય તેનો ઉકેલ લાવી આગામી સમયમાં આ વિસ્તાર જેવી પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે દિશામાં પગલાંં લઈ શહેરીજનોને સંભવિત રોગચાળાના ખતરાથી બચાવવા માટે નકકર આયોજન હાથ ધરવું જોઈએ તેવી નગરજનોની માગણી છે.