સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 27 જૂન 2021 (18:58 IST)

થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો ૧૫૦૦ મીટરનો એલીવેટેડ બ્રીજ આજથી શરૂ

અમદાવાદ શહેરના નાગરિકોની સુખાકારી માટે શહેરમાં સતત વિકાસની પ્રક્રિયા વેગવંતી ધોરણે કાર્યરત છે.ત્યારે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી કડીરૂપ સરખેજ ગાંધીનગર હાઇવે પર સતત વધી રહેલા વાહનવ્યવહારના કારણે અનેક બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે.અને તેના ભાગરૂપે થલતેજ અંડરપાસથી ગોતા સુધીનો ૪૨૦૦ મીટરનો કુલ ૪.૧૮ કિ.મી એલીવેટેડ બ્રીજનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
જે પૈકી થલતેજ અંડરપાસથી શરું કરીને સોલા ઓવરબ્રિજ-રેલ્વે પુલ સુધીના ૧૫૦૦ મીટરના ૬ માર્ગીય ફ્લાયઓવરનું કામ પૂર્ણ થતાં વાહનચાલકોને વહેલા સુવિધા મળી રહે તે હેતુથી આજથી આ ફ્લાયઓવર નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે પ્રજાર્પણ કરવામાં આવ્યો.
" સરખેજ - ગાંધીનગર હાઇવે પર છ માર્ગીય રસ્તો ખુલતા નાગરિકોને અવરજવર કરવામાં ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામા સમય અને નાણાંની બચત થશે એમ જણાવતાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે વધુમાં જણાવ્યું હતું કે થલતેજ અંડરપાસથી પસાર થયા બાદ ઝાયડસ સર્કલ સુધી ખૂબ  ટ્રાફિક રહેવા પામતો હતો. જેથી નાગરિકોની સુખાકારી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત નિર્ણય લઈને થલતેજથી ગોતા સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોર બનાવવાનુ કાર્ય ઝડપથી પૂર્ણતાના આરે છે. જેમાથી આજે ૧.૪૮ કિમીનું એક માર્ગીય કાર્ય પૂર્ણ થતાં નાગરિકો વાહનવ્યવહાર કરી શકશે.
થલતેજથી ગોતા સુધીના સમગ્ર બ્રીજનો કુલ ખર્ચ  રુ.૩૨૫ કરોડ થવાનો અંદાજ છે જેમાથી આજે ખુલ્લો મુકવામાં આવેલ બ્રીજનો ખર્ચ રૂ.૫૧ કરોડ થયેલ છે. આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ,  માર્ગ અને મકાન વિભાગના પદાધિકારીઓ અધિકારીઓ, કાઉન્સિલરઓ ઉપસ્થિત રહ્યા હતા.