ગુરુવાર, 28 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 માર્ચ 2022 (18:17 IST)

મેશ્વો નદી પર આ બ્રિજનું થશે લોકાર્પણ, આ બ્રિજથી અમદાવાદ, મહીસાગર, ખેડા તથા અન્ય જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે

This bridge will be inaugurated on Meshwo river
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ચાંદીયલ રણોદરા ચવલજ રોડથી ભાવડા ઉન્દ્રેલ ભીતીયાને જોડતા મેશ્વો નદી પરના મેજર બ્રિજનું આવતીકાલ તા. ૫ માર્ચ-૨૦૨૨ના રોજ કેન્દ્રીય રાજય કક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણ અને રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે અને બ્રિજ ઉદઘાટન સ્થળેથી બે ઈલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવશે. 
 
આ બ્રિજથી અમદાવાદ, મહીસાગર, ખેડા તથા અન્ય જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. વર્ષ ૨૦૧૭-૧૮માં આ બ્રિજ માટે અંદાજિત રૂ. ૧૧ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ બ્રિજ આર.સી.સી. સોલિડ સ્લેબ પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે. બ્રિજની કુલ લંબાઈ ૧૩૨ મીટરની તથા પહોળાઈ ૭.૫૦ મીટર છે, જેમાં ૧૨ મીટરના કુલ ૧૧ ગાળાનો સમાવેશ થાય છે. તદુપરાંત બન્ને બાજુના ગામોને જોડતા કુલ ૨ કિમી એપ્રોચ રસ્તાનુ વાઈડનીંગનુ ડામર કામ પૂર્ણ થયું છે.
 
આ બ્રિજ બનવાથી હીરાપુર, હરણીયાવ, ભુવાલ, મામાકાના, ઉન્દ્રેલ તેમજ ચાંદિયલ, રણોદરા, ચવલજ તથા અન્ય આસપાસના ગામોના અંદાજે ૩૨ હજારથી વધુ નાગરિકોને લાભ મળશે. વધુમાં આ બ્રિજ અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે, અમદાવાદ રીંગરોડ તથા અમદાવાદ મહેમદાવાદ હાઈવેથી અમદાવાદ, મહીસાગર, ખેડા તથા અન્ય જિલ્લા/તાલુકાને જોડતો અગત્યનો રસ્તો છે. આ બ્રિજ ઔદ્યોગિક વિકાસ માટે તથા આંતરિક વાહન વ્યવહાર માટે ખૂબ જ અગત્યનો પુરવાર થશે. 
 
મહત્વપૂર્ણ છે કે, આ બ્રિજના નિર્માણ પહેલા ચવલજથી ભીતીયા જવા માટે ચાંદિયલ-રણોદરા-ચવલજ રોડ થઈ અમદાવાદ-ઈન્દોર રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ભાવડા-ઉન્દ્રેલ-મામાકાના રોડથી મામાકાના-ભીતીયા રોડ ૨૫ કિમી.નું અંતર કાપવુ પડતુ હતુ, જે હવે માત્ર ૧ કિમી.નુ જ રહ્યુ છે. આ હાઈ લેવલ સબમર્સિબલ બ્રિજ એપ્રોચ રસ્તા સાથે બનવાથી નાગરિકોને યાતાયાત માટે વધુ સુગમતા રહેશે. સાથે જ નજીકના ભવિષ્યમાં ગ્રામજનોને કૃષિ, ઔદ્યોગિક, શૈક્ષણિક તથા રોજગારી અર્થે ભવિષ્યમાં સોનેરી તકો ઉપલબ્ધ થશે.