ગાંધીનગર નજીક તોતિંગ વૃક્ષ રીક્ષા પર પડતાં ત્રણના મોત, 3 ઘાયલ
રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. અત્યાર સુધીમાં 61થી વધુ લોકોના મોત થયા છે. કેટલીક નદીઓના જળસ્તર વધી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવસારી અને વલસાડ જિલ્લામાંથી 700થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ત્યારે દહેગામ તાલુકાના સોલંકીપુરા નજીક એક દુર્ઘટમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. ગાંધીનગર તરફ જતી ચાલુ રિક્ષા પર પીપળાનું તોતિંગ ઝાડ પડતાં એક યુવતી સહિત ત્રણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તો હોસ્પિટલ ઘસેડવામાં આવ્યો હતા.
મળતી માહિતી મુજબા મુસાફરોથી ભરેલી ગાંધીનગર તરફ જઇ રહેલી રિક્ષા પર તોતિંગ પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં રિક્ષામાં સવાર એક યુવતી સહિત ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયાં હતા. દુર્ઘટના બાદ આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતા અને રિક્ષામાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. એક સાથે ત્રણ લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક માહોલ સર્જાયો હતો. આ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે વરસાદી માહોલ અવાર નવાર વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતમાં વરસાદે અત્યારે સુધી 60 થી વધુ લોકોનો ભોગ લીધો છે.
IMD એ જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ઘણા જિલ્લાઓમાં પણ આ સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જાંબુઘોડાના લોકપ્રિય ઝંડ હનુમાન મંદિરમાં દર્શન કરવા આવેલા સેંકડો પ્રવાસીઓ થોડા કલાકો માટે અચંબામાં પડી ગયા હતા. તાલુકાની સૂકી નદીમાં પાણીનું સ્તર વધી જતાં આસપાસમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. નર્મદા જિલ્લામાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો હતો.
ભારે વરસાદને કારણે વડોદરાના પ્રતાપનગર અને છોટા ઉદેપુર જિલ્લા વચ્ચેની ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. પ્રતાપનગર-છોટા ઉદેપુર સેક્શન પર બોડેલી અને પાવી જેતપુર વચ્ચેનો ટ્રેક આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. વડોદરા રેલ્વે વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09169 પ્રતાપનગર-છોટા ઉદેપુર પેસેન્જર અને ટ્રેન નંબર 09170 છોટા ઉદેપુર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેક ધોવાઈ ગયા બાદ રદ કરવામાં આવી હતી.