રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 ઑક્ટોબર 2021 (16:14 IST)

ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા ‘આપ’ના નેતાઓ કેજરીવાલના દિલ્હી મોડેલને ગુજરાતની જનતા સુધી પહોંચાડશે

આગામી મહિનાના અંતમા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દિલ્હી જઈને સમગ્ર મોડેલની જાણકારી મેળવશે
વિધાનસભા ચૂંટણીમાં દિલ્લી મોડલ રજૂ કરી જીત મેળવવા અંગે તેઓ ટ્રેનિંગ લેશે
 
આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી રાજ્યના મતદારોને આકર્ષવામાં સફળ રહી છે. ત્યારે મિશન 2022 અંતર્ગત આમ આદમી પાર્ટીએ સંગઠનનું માળખું જાહેર કર્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં પુરી તાકાત સાથે ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે આપે નવી રણનીતિ તૈયાર કરવાના ભાગરૂપે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દિલ્હી મોડેલની જાણકારી મેળવવા આગામી મહિનાના અંતમાં દિલ્હી જશે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કરેલા કામો અને તેની યોજનાઓ અંગે માહિતી મેળવશે. જે વિકાસના કાર્યો ગુજરાતની છેવાડાની જનતા સુધી પહોંચાડશે. વિધાનસભા ચૂંટણીમાં દિલ્લી મોડલ રજૂ કરી જીત મેળવવા અંગે તેઓ ટ્રેનિંગ લેશે
 
આપના નેતાઓ દિલ્હી મોડેલની માહિતી મેળવશે
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે પ્રદેશ સંગઠનનું માળખું તૈયાર થઈ ગયું છે. પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને દિલ્હી લઇ જવામાં આવશે. ભાજપ દ્વારા એવી અફવા ફેલાવવામાં આવે છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કોઈ વિકાસના કાર્યો કર્યા નથી. જેથી આ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દિલ્હી જઈ અને વિકાસના કામોની મુલાકાત લેશે. બાદમાં ગુજરાત આવી છેવાડાના લોકો સુધી દિલ્હીના વિકાસના કામો અને ત્યાંની પ્રજામાં જે પરિવર્તન આવ્યું છે તેની માહિતી પોહચાડાશે.
 
ઈશુદાન ગઢવીને મોટી જવાબદારી સોંપાશે
ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણીના મેમ્બર છે અને ગુજરાતમાં હાલમાં તેઓને જવાબદારી નથી સોંપાઇ તેઓને ભવિષ્યમાં ગુજરાતની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. તે રીતે મહેશ સવાણીને પણ પ્રદેશમાં પાર્ટીના નેતાની જવાબદારી સોંપાશે. ત્રણ દિવસ પહેલા અમદાવાદમાં પ્રદેશથી લઈ નગર સુધીના નેતાઓની મળેલી બેઠકમાં પ્રદેશના નેતાઓ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીની મુલાકાત કરી આવ્યા બાદ ત્યાં થયેલી ચર્ચા વિશે વાતચીત થઈ હતી. 22 ટકા જનતાએ પરિવર્તનની રાજનીતિ એટલે કે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બુથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી કરવા જણાવ્યું હતું.
 
સરકાર રજુઆતોને ધ્યાને નહીં લે તો જનઆંદોલન કરાશે
ઉપરાંત બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યો હતો. ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી, ખેતી, વીજળી, આદિવાસી અને દલિત લોકોના પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજુઆત કરશે. જો યોગ્ય રીતે રજુઆતને ધ્યાનમાં લઈ કામગીરી નહિ થાય તો તબક્કાવાર જનઆંદોલન કરવામાં આવશે તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું.